Get The App

સંત સરોવરના ચાર દરવાજા બે ફુટ ખોલી ૧૦ હજાર ક્યુસેક પાણી છોડાયું

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
સંત સરોવરના ચાર દરવાજા બે ફુટ ખોલી ૧૦ હજાર ક્યુસેક પાણી છોડાયું 1 - image


ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને પગલે

ગમે ત્યારે પાણીની આવક વધી જાય તેમ હોવાથી સંત સરોવરની બંને બાજુના કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ગાંધીનગર :  ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ વહેતી થઇ ગઇ છે. સાબમરતી નદી ઉપર બાંધવામાં આવેલા ધરોઇ ડેમની સપાટી સતત વધી રહી છે ત્યારે ૮૦ ટકાથી વધુ ડેમ ભરાઇ જવાને કારણે ગાંધીનગર તરફ નદીમાં પાણી છોડવાની શક્યતા વધી ગઇ છે જેના પગલે ગાંધીનગરના સંત સરોવરના દરવાજા ચાર ખોલી દેવામાં આવ્યા છે. અહીં બે-બે ફુટ ચાર દરવાજા ખોલીને અહીંથી સાડા દસ હજાર ક્યુસેક પાણી છોડી સંત સરોવરને થોડો ખાલી કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે ગાંધીનગરના સંત સરોવર ખાતેથી ધોળેશ્વર-ભાટ-અમદાવાદ તરફ પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઇકાલ સુધી છેલ્લા દસ-પંદર દિવસથી એક દરવાજો એક ફુટ જેટલો ખુલ્લો રાખીને એકથી દોઢ હજાર ક્યુસેક પાણી સંત સરોવરથી ધોળેશ્વર તરફ છોડવામાં આવતું હતું તે દરમ્યાન ઉવરવાસ સહિત સાબરકાંઠા-બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદ પડતા ધરોઇ ડેમ ૮૦ ટકાથી વધુ ભરાઇ ગયો છે. ધરોઇ ડેમના અધિકારીઓએ એલર્ટ મોડમાં રહેવા માટે ગાંધીનગરને સુચના આપી છે ત્યારે ગમે ત્યારે ધરોઇમાંથી પાણી નદીમાં છોડવામાં આવે અને સંત સરોવરમાં ધસમસતુ પાણી આવી શકે તેમ છે. આવી સ્થિતિ વચ્ચે હાલ સંત સરોવરમાંથી પાણીની જાવક વધારી દેવામાં આવી છે. ગઇકાલે એક દરવાજો ખોલીને ૧૩૬૨ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું તે આજે ચાર દરવાજા બે બે ફુટ ખુલ્લા કરીને અઙીંથી સાડા દસ હજાર ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

સંત સરોવરની બન્ને બાજુ સાબરમતી નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યો છે. ત્યારે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે નદીમાં કોઇ નાગરિક ન ઉતરે તે માટે પોલીસને પણ પેટ્રોલીંગ વધારવા સુચના આપાવમાં આવી છે. 

Tags :