Get The App

નાગાલેન્ડથી બોગસ લાયસન્સ મેળવી હથિયાર ખરીદીના કૌભાંડમાં સુરતના ચારની ધરપકડ

ATSની તપાસના આધારે ક્રાઈમ બ્રાન્ચે કતારગામના ગજાનન ગનહાઉસના માલિક, તેની પાસે બોગસ લાયસન્સથી હથિયાર ખરીદનાર ત્રણને પકડયા

20 હથિયાર, 93 કારતુસ, 4 બોગસ હથિયાર લાયસન્સ કબજે કર્યા, 16 આરોપી વોન્ટેડ જાહેર

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
નાગાલેન્ડથી બોગસ લાયસન્સ મેળવી હથિયાર ખરીદીના કૌભાંડમાં સુરતના ચારની ધરપકડ 1 - image


- ATSની તપાસના આધારે ક્રાઈમ બ્રાન્ચે કતારગામના ગજાનન ગનહાઉસના માલિક, તેની પાસે બોગસ લાયસન્સથી હથિયાર ખરીદનાર ત્રણને પકડયા

- 20 હથિયાર, 93 કારતુસ, 4 બોગસ હથિયાર લાયસન્સ કબજે કર્યા, 16 આરોપી વોન્ટેડ જાહેર


સુરત, : નાગાલેન્ડમાંથી બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદવાના કૌભાંડમાં એટીએસની તપાસના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામના ગજાનન ગનહાઉસના માલિક અને તેની પાસેથી બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદનાર ત્રણને ઝડપી પાડી 20 હથિયાર, 93 કારતુસ, 4 બોગસ હથિયાર લાયસન્સ કબજે કર્યા છે.જયારે આ કૌભાંડમાં સામેલ 16 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત રાજ્યમાંથી હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોય અથવા મળી શકે તેમ ના હોય તેવા વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવીને ગુજરાત બહારના રાજ્યમાંથી અને તેમાંય ખાસ કરીને નાગાલેન્ડ રાજ્યમાંથી ઓલ ઇન્ડીયા પરમીટના હથિયાર લાયસન્સ બનાવી આપી તેના આધારે હથિયાર ખરીદવાનું કૌભાંડ ગુજરાત એટીએસએ ઝડપી પાડી સાતની ધરપકડ કરી હતી.તેમની પુછપરછના આધારે તપાસમાં જોડાયેલી સુરત ક્રાઈમ બ્રાન્ચે પણ કાર્યવાહી કરતા સુરત શહેરમાં હથિયાર વેચાણનો પરવાનો ધરાવતા અને કતારગામ અમરોલી રોડ મહાવીરનગર સોસાયટી નજીક મારુતિ ફ્લેટસ ખાતે ગજાનન ગનહાઉસના નામે દુકાન ધરાવતા અતુલકુમાર ચીમનભાઈ પટેલ ( ઉ.વ.62, રહે.27, મહાવીરનગર સોસાયટી, ગજેરા સર્કલ પાસે, કતારગામ, સુરત. મૂળ રહે.નાર, તા.પેટલાદ, જી.આણંદ ) ની પુછપરછ કરી હતી.

પુછપરછમાં તેમણે કબુલ્યું હતું કે તેમણે કામરેજ પાસે રહેતા અને એટીએસએ ઝડપેલા સેલાભાઈ બોળીયા મારફતે સમગ્ર કૌભાંડના સૂત્રધાર પૈકીના એક હરિયાણાના આસીફ સાથે સંપર્ક કરી નાગાલેન્ડ રાજયના બોગસ હથિયાર લાયસન્સ આધારે 51 હથિયારો વેચ્યા છે.ઉપરાંત, નાગાલેન્ડ રાજયના 6 બોગસ લાયસન્સ આસીફ મારફતે જ પોતે સુરત ખાતે રહેતા અલગ અલગ વ્યક્તિને અપાવ્યા છે.આથી ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી તેમની પાસેથી 16 હથિયાર જપ્ત કર્યા હતા.જયારે હથિયાર ખરીદનાર ત્રણની ધરપકડ કરી તેમની પાસેથી ચાર હથિયાર, 93 કારતુસ અને ચાર બોગસ હથિયાર લાયસન્સ મળી કુલ 20 હથિયાર, 93 કારતુસ અને ચાર બોગસ હથિયાર લાયસન્સ કબ્જે કરી આ અંગે ગુનો નોંધી નાગાલેન્ડમાંથી બોગસ લાયસન્સ મેળવી તેના આધારે હથિયાર ખરીદનાર અન્ય 16 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
નાગાલેન્ડથી બોગસ લાયસન્સ મેળવી હથિયાર ખરીદીના કૌભાંડમાં સુરતના ચારની ધરપકડ 2 - image

બોગસ લાયસન્સ બનાવવા માટે રૂ.8 થી 10 લાખ વસુલાતા હતા

સુરત, : નાગાલેન્ડમાંથી બોગસ હથિયાર લાયસન્સ કઢાવી આપવા માટે અતુલ પટેલ રૂ.8 થી 10 લાખ લઈને તેમાંથી પોતાના કમિશનના રૂ.1 થી 2 લાખ કાઢીને બાકીના પૈસા સેલાભાઇ મારફતે હરિયાણાના આસીફને દિલ્હી કે નોઈડા ખાતે બ્લ્યુ ડાર્ટ કુરિયરથી મોકલી આપતો હતો.તેની સાથે લાયસન્સ જેના નામે કઢાવવાનું હોય તેના પુરાવા પણ મોકલાતા હતા.અતુલ પટેલે કબુલ્યું હતું કે શરૂઆતમાં ચાર લાયસન્સ સેલાભાઇ મારફતે આસીફ પાસેથી મેળવ્યા બાદ વધુ કમિશનની લાલચમાં તેમણે બીજા લાયસન્સ બનાવડાવ્યા હતા.જયારે લાયસન્સ બનીને આવે ત્યારે તેના આધારે ગજાનન ગનહાઉસમાંથી હથિયાર ખરીદવામાં આવતા હતા.


અતુલ પટેલે જે છ વ્યક્તિના નામે નાગાલેન્ડના સરનામે લાયસન્સ બનાવડાવ્યા હતા તેમાંથી કોઈએ નાગાલેન્ડ જોયું નથી

સુરત, : ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે અતુલ પટેલે જે છ વ્યકિતના નામે બોગસ હથિયાર લાયસન્સ સેલાભાઇ અને આસીફની મદદથી બનાવડાવ્યા હતા તેમાં અન્ય વ્યક્તિના નામે ત્યાં ઈસ્યુ થયેલા લાયસન્સમાં ચેડાં કરીને તેમજ જુના લાયસન્સ ધારક કે જે વૃદ્ધ થયા છે તેમના રિટેનર તરીકે સુરતના વ્યક્તિને બતાવીને નાગાલેન્ડના સરનામે નવા લાયસન્સ બનાવવામાં આવ્યા હતા.જોકે, જે છ વ્યક્તિના નામે નાગાલેન્ડના સરનામે લાયસન્સ બનાવડાવ્યા હતા તેમાંથી કોઈએ નાગાલેન્ડ જોયું નથી.હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચની જુદીજુદી ટીમ નાગાલેન્ડમાં રહીને આ અંગે વધુ તપાસ કરી રહી છે.


સાત વર્ષથી કૌભાંડ : ગૃહવિભાગમાં રજીસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવાતો હતો

સુરત, : ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ છેલ્લા છ-સાત વર્ષથી ચાલે છે.જે વ્યક્તિ નાગાલેન્ડ ગયો નથી તેની ત્યાં માત્ર કાગળ ઉપર હાજરી બતાવી તેના આધારે મેળવાતા બોગસ હથિયાર લાયસન્સને ગૃહવિભાગમાં રજીસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવવામાં આવતો હતો.જેથી અન્ય રાજયમાં લાયસન્સનો ઉપયોગ સરળતાથી કરી શકાય.


નાગાલેન્ડથી બોગસ લાયસન્સ મેળવી હથિયાર ખરીદીના કૌભાંડમાં સુરતના ચારની ધરપકડ 3 - image

બોગસ લાયસન્સથી હથિયાર ખરીદનારા આ લોકો પકડાયા

- દિલીપભાઈ શાંતીભાઈ રોય ( ઉ.વ.40, રહે.એ/1104, પ્રિઝમ લક્ઝરીયા, હાથીમંદીર રોડ, કતારગામ, સુરત તથા એ/802, પેલેડીયમ પ્રાઈડ, આંબાતલાવડી, સિંગણપોર, સુરત. મુળ રહે.ગારીયાધાર, જી.ભાવનગર )
- કલ્પેશભાઈ ધનજીભાઈ માંગુકીયા ( ઉ.વ.40, રહે.એ/1102, રીવર પેન્ટા સ્કાય, સરથાણા જકાતનાકા, વાલક ગામ, સુરત. મુળ રહે.લાખણકા ( ગોવાળીયા ), તા.ગઢડા ( સ્વા ), જી.બોટાદ )
- મેરૂભાઇ હમીરભાઇ બેલા ( ઉ.વ.37, રહે.1585, ગાયત્રીનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત. મુળ રહે.રણજીતપુર, તા.કલ્યાણપુર, જી. દેવભુમી દ્વારકા )

Tags :