વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી
અમદાવાદ સેટેલાઈટના એજન્ટ દ્વારા
ઘરે તાળું મારીને એજન્ટ રફુચક્કર થઈ જતા સે-૨૧ પોલીસમાં
ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર: ગાંધીનગર નજીક આવેલા વાવોલમાં રહેતા યુવાન અને તેના ત્રણ
મિત્રોને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના બહાને અમદાવાદના સેટેલાઈટ ખાતે રહેતા એજન્ટ
દ્વારા ૧૪ લાખ રૃપિયા લઈને છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૨૧
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.
હાલમાં લોકોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતો યુવાન અને તેના
મિત્રો ભોગ બન્યા છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલમાં
રહેતા રાકેશ નટવરલાલ નાગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, અમદાવાદ
રામદેવનગર સેટેલાઈટ ઓચડ પાર્ક સોસાયટીમાં રહેતા ઓનીલકુમાર મલાની દ્વારા રાકેશભાઈ
અને તેમના ત્રણ મિત્રો, ભવનેશ
અરવિંદભાઇ જોષી, સંદિપ
અરવિંદભાઇ જોષી અને નિશાન્તકુમાર નરેશભાઇ પટેલને વિદેશમાં વર્ક પરમિટ વિઝા
અપાવવાની લાલચ આપી હતી. ઓનીલકુમારને કુલ
૧૪ લાખ ચૂકવ્યા હતા. શરૃઆતમાં,
ચારેય વ્યક્તિએ વિઝા ફાઇલ માટે ૫૦ હજાર લેખે ૨ લાખ રોકડા આપ્યા હતા ત્યારબાદ, ઓનલાઈન ટ્રાન્સફર
દ્વારા ૨ લાખ ચૂકવાયા હતા. ત્યારબાદ ચારેય
મિત્રોને જર્મનીના વિઝાનું કામ પૂરું કરવા માટે મુંબઈ જવાનું કહ્યું હતું, જેના માટે
તેઓએ ૧ લાખનો ખર્ચ કર્યો હતો. જોકે, જર્મનીના વિઝા
માટેની ફાઇલો રિજેક્ટ થઈ હતી ત્યારબાદ ઓનીલકુમારે તેમને સ્લોવાકિયાના વિઝાનું કામ
બે-ત્રણ મહિનામાં પૂરું કરી આપવાનું વચન આપ્યું હતું. જેથી તેમના પૈસા પરત લેવા ન
પડે. પરંતુ, તે પછી
ઓનીલકુમાર મલાનીનો કોઈ સંપર્ક થયો ન હતો અને તેના મોબાઇલ નંબર બંધ આવતા હતા. ઘરે
જઈને તપાસ કરી તો મકાન બંધ મળ્યું હતું. પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે તે તેના
પરિવાર સાથે તેના સાળાના ઘરે ગ્વાલિયર ગયો છે. જેથી આ સંદર્ભે હાલ સેક્ટર ૨૧ પોલીસ
દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.