વડોદરા કોર્પોરેશનમાં ચાર ફૂડ સેફટી ઓફિસરોની અજમાયશી ધોરણે નિમણૂક
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ખોરાક શાખામાં ચાર ફૂડ સેફટી ઓફિસરોની ત્રણ વર્ષ માટે ફિક્સ પગારથી અજમાયશી ધોરણે નિમણૂક કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનમાં હાલ આઠ ફૂડ સેફ્ટી ઓફિસરો છે. જોકે કોર્પોરેશનમાં 15 ફૂડ સેફટી ઓફિસરોનું મહેકમ મંજૂર થયેલું છે. જેમાંથી અત્યાર સુધી માત્ર 8 જ હતા. હવે આ ચારની નિમણૂક થતા ફૂડ સેફ્ટી ઓફિસરોની સંખ્યા વધીને 12 થશે. મહેકમ મુજબ હજુ ત્રણ ફૂડ સેફ્ટી ઓફિસરોની ઘટ રહેશે. સામાન્ય રીતે દર એક વહીવટી વોર્ડ દીઠ એક ફૂડ સેફ્ટી ઓફિસર હોવો જોઈએ.
વડોદરા કોર્પોરેશનમાં 19 વહીવટી વોર્ડ છે, એ દ્રષ્ટિએ વડોદરામાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ઘટ તો રહેશે જ. આ ચારની નિયુક્તિ પછી પણ નવી સાત નિમણૂકો કરવી પડશે. કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ફૂડ સેફટી ઓફિસરો માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી, અને ઓક્ટોબરમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પાસ થયેલા ઉમેદવારોના મેરીટના આધારે નિમણૂક કરવામાં આવી છે. ત્રણ વર્ષ દરમિયાન કામગીરીનું મૂલ્યાંકન કર્યા બાદ નિયમિત પગાર ધોરણમાં આ ઓફિસરોને સમાવવા કોર્પોરેશન વિચારણા કરશે. કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે કે દરેક વોર્ડમાં એક એક ફૂડ સેફ્ટી ઓફિસર હોય તો કામગીરીમાં સરળતા રહે. તમામ દુકાનો, લારીઓ, ખાણીપીણીના સ્થળો પર ચેકિંગ થઈ શકે અને નમૂનાઓ પણ મેળવી શકાય.