મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી
ગુજરાત હાઉસીંગ બોર્ડમાં મોટી ઓળખાણ હોવાનું કહીને છેતરપિંડી
પતિ પત્ની સહિત પરિવારના ચાર સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધાયોઃ અનેક લોકોને બનાવટી દસ્તાવેજ પણ આપ્યા
અમદાવાદ,સોમવાર
જુહાપુરામાં રહેતા દંપતિ અને તેના બે સંતાનોએ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઓળખાણ હોવાનું કહીને જુહાપુરા અને મકરબામાં ૧.૬૦ લાખમાં મકાન અથવા દુકાન અપાવવાનુ અનેક લોકોએ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં અનેક મહત્વની વિગતો સામે આવી છે.
જમાલપુરમાં રહેતા ૬૯ વર્ષીય જોહરા કુરેશીએ ફરિયાદ નોંધાવી છે કે જુહાપુરા સંકલીતનગરમાં રહેતા સાઇનાબાનું સિપાઇ, તેના પતિ અનવર, તેમનો પુત્ર અયાન અને મીસ્બાહે તેમના સગા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઉંચા હોદા પર હોવાથી લાગવગને કારણે જુહાપુરા અને મકરબામાં તૈયાર કરવામાં આવી રહેલી સ્કીમમાં માત્ર ૧.૬૦ લાખમાં મકાન કે દુકાન મળી જશે. તેમ જણાવીને જોહરા કુરેશી અને તેમના સગા પાસેથી નાણાં લીધા હતા અને પાચ વર્ષમાં પઝેશન મળશે તેમ જણાવ્યું હતું . જ્યારે લીધેલા નાણાંની સામે તેમણે હાઉસીંગ બોર્ડની બનાવટી રસીદ આપી હતી. પરંતુ, થોડા દિવસ પહેલા અનવર તેના પરિવાર સાથે ફરાર થઇ ગયો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે તે અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યા હતા. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.