જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો
અઠવાડિયા અગાઉ ગાંધીનગરના સેક્ટર-૨૪માં
એલસીબી દ્વારા હથિયાર સાથે આરોપીઓને પકડી લેવામાં આવ્યા ઃ અન્ય બેની શોધખોળ ઃ પિસ્તોલ, કારતુસ, બે સોનાના દોરા, બાઇકો સહિતનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લામાં તાજેતરમાં બનેલા ગંભીર પ્રકારના ગુનાઓ
ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ
તેજા વાસમસેટ્ટી દ્વારા પોલીસને એલર્ટ રહીને આ દિશામાં કામગીરી કરવા માટે તાકીદ
કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા દ્વારા
સ્ટાફના માણસોને એલર્ટ રહીને તાજેતરમાં સેક્ટર-૨૪માં બનેલી ઘટનાનો ભેદ ઉકેલવા માટે
તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ટીમ સ્થળ ઉપર તેમજ આસપાસના વિસ્તારમાં
પહોંચી હતી અને ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને ટેકનિકલ
એનાલિસિસ કર્યું હતું. ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે, પોલીસે પેથાપુરના
રાકેશ ગોવિંદભાઈ સોલંકી અને અમદાવાદ જુહાપુરાના શાહરૃખ ઉર્ફે ચુમ્મા રિઝવામભાઈ
ચાંદભાઈ ડેલીઘરાની ઓળખ કરી હતી. તેમજ આ લૂંટના ગુનામાં તેમને પેથાપુર ખાતે રહેતા
ગજેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમાર દ્વારા મદદ કરવામાં આવી હતી. દરમિયાનમાં આ ત્રણેય
શખ્સો ચરેડીથી એન્જિનિયરિંગ કોલેજ જવાના માર્ગ ઉપર હાજર હોવાની બાતમી મળી હતી અને
તેના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યાં ગજેન્દ્રસિંહ પરમાર પાસેથી લૂંટના
પ્રયાસ માટે વાપરવામાં આવેલી રિવોલ્વર પણ મળી આવી હતી અને બે કારતુસ પણ મળ્યા હતા.
રાકેશ સોલંકી સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાયેલા મર્ડરના ગુનામાં પેરોલ ઉપર છુટયા
બાદ ચાર મહિનાથી ફરાર હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. એટલું જ નહીં તેણે અને
તેના સાગરીત શાહરુખ સાથે મળીને બે ચેઇન સ્નેચિંગના ગુનાઓને પણ અંજામ આપ્યો હતો.
રાકેશ સોલંકીએ તેના મિત્ર ભાવેશ કાંતિભાઈ ચૌહાણ સાથે મળીને ગૌરાંગ વાઘેલાના
કહેવાથી ચાંદખેડામાં એક કાર પણ સળગાવી હતી. જેથી આ ગુનામાં છત્રાલ ખાતે રહેતા
ભાવેશ કાંતિભાઈ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક
પિસ્તોલ, બે જીવતા
કારતૂસ, બે
સોનાના દોરા, એક મોપેડ
બે બાઈક અને ત્રણ મોબાઈલ જપ્ત કરી લીધા હતા.
મધ્યપ્રદેશના છોટુ યાદવ પાસેથી રિવોલ્વર લાવવામાં આવી
હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી જનાર આરોપી રાકેશ સોલંકીની
પૂછપરછ કરવામાં આવતા તેણે કબુલાત કરી હતી કે,
રૃપિયાની જરૃરિયાત ઊભી થતા સેક્ટર-૩માં રહેતા તેના મિત્ર ગૌરાંગ રાજુભાઈ
વાઘેલાને વાત કરી હતી અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશમાં ભીંડ
ખાતે રહેતા તેના મિત્ર છોટુ યાદવ પાસે રિવોલ્વર હોવાનું કહ્યું હતું. જેથી રાકેશ
સોલંકી મધ્યપ્રદેશ જઈને આ રિવોલ્વર લઈ આવ્યો હતો. જેથી પોલીસે હાલ ગૌરાંગ વાઘેલા
અને છોટુ યાદવની પણ શોધખોળ શરૃ કરી છે.