ગુજસીટોકમાં બુટલેગર ગેંગના ચાર આરોપી વધુ પ દિવસના રિમાન્ડ પર
આરોપીઓની સંપત્તિ, નાણાકીય વ્યવહારો અનેદારૂના સપ્લાયરોની પોલીસ તપાસ કરશે

રતનપુરના જયસ્વાલ પરિવારના ચાર સભ્યો અને એક નોકર સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ ગુનામાં અદાલતે ૪ આરોપીઓના વધુ ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજસીટોક એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વરણામાં પોલીસ મથકે રાકેશ ઉર્ફે લાલા રજનીકાંત જયસ્વાલ, હિતેષ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ, સચીન રાકેશ જયસ્વાલ (ત્રણે રહે રતનપુર) અને રાજેશ ઉર્ફે ખશા સામંતભાઈ બારીયા (રહે-હિરાબા નગર, બાપોદ)ને ઝડપી લેવાયા છે. જ્યારે મહિલા આરોપીસીમા જયસવાલ જ્યુ. કસ્ટડીમાં છે. પોલીસે ગુનાની તપાસ માટે આરોપીના ૧૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે પૂરા થતા આરોપીઓને વધુ રિમાન્ડની માંગ સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજસીટોક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડયાએદલીલો કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે, આરોપીઓએ દારૂના ગેરકાયદે ધંધાથી મેળવેલા બિનહિસાબી નાણાંથી સોનુ, મિલકત અને વાહનો ખરીદ્યા છે. તેમના બેંક ખાતાઓમાં લાખો રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળ્યા છે. ઉપરાંત ઘરેણાં ઉપર લોન મેળવી નાણાંનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરાયો હોવાની આશંકા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ, સિમકાર્ડ, વાહન, ઘરેણાં અને દસ્તાવેજો કબજે કરવાના છે, તેમજ વિદેર્શી દારૂના વેપારીઓ સાથે આંગડિયા પેઢી મારફતે થયેલી નાણાકીય લેવડદેવડની પણ તપાસ ચાલી રહી છે.

