Gujarat

જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર

By GS TEAM
15 Oct 20251 min read
જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર

વડોદરા : વડોદરા-ડભોઇરોડ પર આવેલ રતનપુર ગામના નામચીન જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે પોલીસે ગઇકાલે ગુજસીટોકનો ગુનો દાખલ  કરી તમામની ધરપકડ કરી હતી. આજે આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે ચાર આરોપીના તા.૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે મહિલા આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

વડોદરા નજીક રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો રજનીકાન્ત જયસ્વાલ,હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાન્ત જયસ્વાલ,સચિન રાકેશ જયસ્વાલ,સીમાબેન રાકેશ જયસ્વાલ  અને રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારીયાની ગેંગ છેલ્લા ઘણા સમયથી દારૃના ધંધા સાથે સંકળાયેલી હતી. આ ગેંગ સામે દારુ જુગાર ઉપરાંત હથિયારથી હુમલો, ખુનનો પ્રયાસ, ખોટા દસ્તાવેજ બનાવવા, સરકારી સંપત્તિને નૂકસાન પહોંચાડવુ, રાયોટીંગ સહિતના ૩૩ ગુનાઓ નોંધાયેલા હોઇ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આજે તમામ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે,મહારાષ્ટ્ર બોર્ડર પર જે ઝુપડામાં આશ્રય લેતા હતા ત્યાં તપાસ કરવાની છે. સાગબારાના જે શખ્સોની સંડોવણી હોવાનું આરોપીઓ જણાવે છે તેની તપાસ કરવાની છે. આરોપીઓના સાડીઆર મેળવવવાનો  છે. તેમના બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની છે અને તેમની સંપત્તિ અંગે પણ વિગતો મેળવવાની છે.