વડોદરા રેલવે સ્ટેશન બહાર મધરાતે રાજસ્થાનના 3 પ્રવાસીને ડરાવી લૂંટી લેનાર ચાર લૂંટારા પકડાયા

વડોદરાઃ વડોદરા રેલવે સ્ટેશનની બહાર ગઇ મધરાતે ત્રણ પ્રવાસીને ધમકાવી લૂંટી લેનાર ત્રણ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા છે.
રાજસ્થાનના દૌસા જિલ્લાના થાના ખાતે રહેતા કમલસિંગ ચારણ અને તેના બે પરિચિત બ્રિજેશકુમાર અને રોહિતાસ ગઇરાતે વાપીથી વડોદરા રેલવે સ્ટેશને ઉતર્યા હતા.૨.૩૦ વાગ્યાના અરસામાં તેઓ સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે ઇકા વાનમાં ચાર જણા ધસી આવ્યા હતા.
આ પૈકીના એક જણાએ કાચની બોટલ તોડી કમલસિંગને ધમકી આપી હતી અને તેના ગળામાંથી ચાંદીની ચાર તોલાની ચેન, મોબાઇલ અને રોકડા રૃ.૩ હજાર લૂંટી લીધા હતા.
ઉપરોક્ત બનાવ બાદ એસીપી ડી જે ચાવડાએ ત્રણ ટીમો બનાવી હતી અને વાનનો નંબર અસ્પષ્ટ હોવાથી જુદીજુદી સીરિઝ તેમજ વાન ક્યા ક્યા રસ્તે આવી હતી તેની તપાસ કરી કલાકોમાં જ સૂત્રધાર અક્ષર ઉર્ફે ચકરી કંસારા,જાફર દિવાન,અણમોલ ચૌધરી અને કાર્તિક મોસારે(તમામ રહે.ફતેપુરા અને આસપાસ)ને ઝડપી પાડી વાન,રોકડ અને મોબાઇલ કબજે કર્યા હતા.પોલીસે ચારેયની બીજા કોઇ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે મુદ્દે પૂછપરછ હાથ ધરી છે.
મિત્રતામાં આપેલી વાનનો લૂંટમાં ઉપયોગ
સ્ટેશન બહાર બનેલા લૂંટના બનાવમાં પીઆઇ ઝેડ એન ધાસુરાએ વાનના માલિકને શોધી કાઢ્યો હતો.જેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી મિત્ર અક્ષર ચકરી કામ માટે વાન જોઇએ છે તેમ કહી વાન લઇ ગયો હોવાની પ્રાથમિક વિગતો ખૂલી છે.જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવનાર છે.








