ભાવનગરની ઘટના: સમાધાન માટે બોલાવીને માર માર્યો, યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા
Bhavnagar News : રાજ્યમાં હત્યા, મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ભાવનગરના હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વર્ષ પહેલાના ઝઘડાની અદાવત રાખીને ચાર શખ્સોએ એક યુવકને સમાધાન કરવું છે તેમ કહીને મળવા બોલાવ્યો અને પછી યુવક સાથે મારામારી કરી હતી. જોકે, યુવકે બાઈક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો તો તેને કારની ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. સમગ્ર ઘટના મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડાની અદાવત રાખી સમાધાન માટે બોલાવીને યુવકની હત્યા
મળતી માહિતી મુજબ, ભાવનગરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા હાર્દિક ઉર્ફે ટિન્ચો અશોકભાઈ કુકડિયા (ઉં.વ.19) નામના યુવકને એક વર્ષ પહેલા દિનેશ ગોહેલ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. સમગ્ર મામલે દિનેશે તેના મિત્રો યોગેશ વેગડ, હરેશ ઉર્ફે ભાકો ગોવીંદભાઈ, સંજય સાથે મળીને હાર્દિકને સમાધાન માટે બોલાવીને મારામારી કરી હતી.
આ પણ વાંચો: ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ
મારામારી થતાં હાર્દિકે બાઈક લઈને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દિનેશે કારથી ટક્કર મારતા હાર્દિકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે સમાધાન કરવા માટે હાર્દિક સાથે ગયેલા લોકો સાથે પણ આરોપીઓએ મારામારી કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સમગ્ર ઘટનામાં હાર્દિકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચાર શખ્સ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.