For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતના દાંડી રોડની ફાઉન્ટેનહેડ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી

Updated: May 6th, 2024

સુરતના દાંડી રોડની ફાઉન્ટેનહેડ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી

- એસઓજી અને પાલ પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડને સાથે રાખી ચેંકીગ કર્યુઃ પરીક્ષા બાદ મેઇલની જાણ થઇ હતી


સુરત

લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાનના ગણતરીના કલાકો અગાઉ અમદાવાદની નવ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલની સાથે સુરતના દાંડી રોડની ફાઉન્ટેનહેડ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઉલ્લેખ હોવાથી દોડતી થયેલી પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ હાથ ધરી હતી પરંતુ એક પણ વસ્તુ શંકાસ્પદ મળી ન હતી.

Article Content Image
બે દિવસ અગાઉ દેશના પાટનગર દિલ્હીની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા મેઇલ આવ્યા હતા. દિલ્હીમાં જે રીતે અજાણ્યા મેઇલ આઇડી પરથી મેઇલ આવ્યા હતા તેવી જ રીતે આજે અમદાવાદની નવ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ આવ્યા હતા. મંગળવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થવાનું છે તેના ગણતરીના કલાકો અગાઉ બોમ્બની ધમકીને પગલે દોડતી થયેલી અમદાવાદ પોલીસે સધન ચેકીંગ હાથ ધર્યુ હતું. બીજી તરફ ધમકી ભર્યા મેઇલમાં સુરતની ફાઉન્ટેનહેડ સ્કૂલનો પણ ઉલ્લેખ હતો. જેથી અમદાવાદ પોલીસે સુરત પોલીસને જાણ કરતા દાંડી રોડના અંભેટા ગામ સ્થિત ફાઉન્ટેનહેડ સ્કૂલમાં તુરંત જ પાલ પોલીસ ઉપરાંત એસઓજીની ટીમ દોડી ગઇ હતી. પોલીસે તુરંત જ ડોગ સ્કોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડની મદદ લઇ સ્કૂલમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. પરંતુ ત્રણેક કલાકની જહેમત બાદ પોલીસને એક પણ વસ્તુ શંકાસ્પદ મળી ન હતી. ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં હાલ વેકેશન છે પરંતુ ફાઉન્ટેનહેડ સ્કૂલમાં કેટલાક ધોરણની પરીક્ષા ચાલી રહી હતી. જો કે પોલીસ પહોંચી તે પહેલા પરીક્ષા પૂર્ણ થઇ ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મહિના અગાઉ ડુમ્મસ રોડના VR મોલમાં બ્લાસ્ટની ધમકીનો મેઇલ આવ્યો હતો
અમદાવાદની સાથે સુરતના દાંડી રોડની ફાઉન્ટેનહેડ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઇલને પગલે પોલીસની સાથે એટીએસ અને સાયબર ક્રાઇમની ટીમ પણ તપાસમાં જોતરાય છે. બ્લાસ્ટની ધમકી ભર્યા મેઇલ કરવામાં આવ્યા હોવાથી મેઇલ કયાંથી આવ્યો અને સેન્ડર કોણ છે તે જાણવા માટે ટેક્નિકલ સર્વેલન્સ ચાલી રહ્યું છે. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે મહિના અગાઉ ડુમ્મસ રોડના વીઆર મોલમાં બ્લાસ્ટની ધમકીનો મેઇલ આવ્યો હતો. આ પ્રકરણમાં એટીએસ તો ઠીક પરંતુ સાયબર ક્રાઇમની ટીમને હજી સુધી મહત્વની કોઇ કડી મળી નથી.

Gujarat