સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા માટે જીડીપી નિર્ધારણ માટેની ફોર્મુલા તૈયાર : સીટી ઇકોનોમિક પ્રોડક્ટ કમિટીમાં સુરત મ્યુનિ. કમિશ્નરનો સમાવેશ
Surat : સુરત સહિત રાજ્યના પાંચ જિલ્લાના વિવિધ પ્રકારના માપદંડના અભ્યાસ અને સત્તાવાર આંકડાની ચકાસણી બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના જીડીપી દર નક્કી કરવામાં આવ્યા છે. આ જીડીપીના આધારે નીતિ આયોગે ગ્રોથ હબ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટ ડોક્યુમેન્ટેશન તૈયાર કર્યું છે. આ ઉપરાંત જીડીપીની ગણતરી નક્કી કરવા માટે ફોર્મ્યુલા નક્કી કરવા રાષ્ટ્રીય સ્તરે સીટી ઇકોનોમિક પ્રોડક્ટ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં દેશમાંથી 26 તજજ્ઞોને પસંદ કરાયા છે તેમાં સુરત મ્યુનિ. કમિશ્નરનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.
કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા વિવિધ વિકાસલક્ષી માપદંડોને આધારે ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્લાનમાં ઇકોનોમીકï, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઇન્ડિસટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની સંભાવના, સામાજિક પરિસ્થિતિ વગેરે મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારબાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા માટેના જીડીપીની ગણતરી માટેની ફોર્મુલા નકકી કરવા માટે સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે કવાયત કરી હતી જેનો લાભ હવે કમિટિને પણ મળશે.
આ અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા દેશના વિવિધ શહેરો, જિલ્લાની જીડીપીનો દર નક્કી કરવા માટેનું આયોજન થઇ રહ્નાં છે પરંતુ જીડીપીનો દર નક્કી કરવા માટેની શહેર, જિલ્લા સ્તરે કોઈ ગણતરીમાટે ફોર્મુલા નથી. ‘સીટી ઇકોનોમિક પ્રોડકટ’ કમિટિ દ્વારા વિવિધ માપદંડો, રેકોર્ડની ચકાસણી તથા સાઇન્ટીફિક મેથડના આધારે ચોક્કસ ગણતરીની પદ્ધતિ માટેનું સૂચન કરી શકે છે
નીતિ આયોગના સભ્ય ડો.અરવિંદ વિરમાણીના અધ્યક્ષ પદે કમિટિમાં કુલ 26 સભ્યો રહેશે. જેમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગના આર્થિક સલાહકાર, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના ઇકોનોમિક એડવાઇઝર, આરબીઆઇ, લેબર વિભાગ, રેવન્યુ વિભાગ, ઇન્ડિયન સ્ટેટેસ્ટિક ઇન્સિ. તથા અન્ય સંલગ્ન વિભાગોના તજજ્ઞો ઉપરાંત ગુજરાતની સુરત મહાનગરપાલિકા, મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર પાલિકા, પુણે મહાનગરપાલિકા અને મુઝફરપુર મહાનગરપાલિકાના કમિશનરનો સમાવેશ થાય છે. ભારતના વિવિધ ભૌગોલિક, ઔધોગિક માપદંડોને ધ્યાનમાં લઇ કમિટિ દ્વારા ‘સીટી ઇકોનોમિક પ્રોડકટ’ માટે કોમન અંદાજ-ડ્રાફ્ટ તૈયાર કરી શકે છે. આ માટે કમિટી અન્ય તજજ્ઞ એજન્સી, કેન્દ્ર અને રાજય સરકારના અન્ય તજજ્ઞોની પણ મદદ લઈ શકે છે. વિવિધ રાજયો, રિજીયન મુજબ કમિટિ સૈદ્ધાંતિક શરતોને આધારે સીઇપી માટેનો કોન્સેપર્ચ્યુલ ડ્રાફટ તૈયાર કરી શકે છે.
આ સમિતિને 12 મહિનામાં "મેથડોલોજી ફોર એસ્ટિમેશન ઓફ સિટી ઇકોનોમિક પ્રોડક્ટ" પર અંતિમ અહેવાલ રજૂ કરવાની જવાબદારી સોંપાઈ છે, જે ગામડાઓ અને શહેરો વચ્ચેના આર્થિક મૂલ્યને માપવામાં અને શહેરી વિકાસને વેગ આપવામાં મદદરૂપ થશે.
સમિતિમાં સામેલ મહાનગરપાલિકા કમિશનરો
મ્યુનિસિપલ કમિશનર, જબલપુર (મધ્ય પ્રદેશ)
મ્યુનિસિપલ કમિશનર, સુરત (ગુજરાત)
મ્યુનિસિપલ કમિશનર, પુણે (મહારાષ્ટ્ર)
મ્યુનિસિપલ કમિશનર, મુઝફ્ફરપુર (બિહાર)