Gujarat

ડ્રાફ્ટ યાદીમાંથી 15 હજાર મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા : સાત હજારની એન્ટ્રી

By GS TEAM
28 Jan 20262 mins read
ડ્રાફ્ટ યાદીમાંથી 15 હજાર મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા : સાત હજારની એન્ટ્રી

રાજ્યમાં વકરી રહેલા ફોર્મ નં.સાતના વિવાદ વચ્ચે ગાંધીનગર જિલ્લાની

રાજકીય પક્ષો અને નાગરિકોએ ફોર્મ નં.૭ બીએલઓને ઓફલાઇન ભરીને આપી દીધા : 30મીએ છેલ્લો દિવસ : મતદારોને જાણ બહાર ફોર્મ ભરાયાની ફરિયાદો

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે, એસઆઇઆર પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નંબર-૭ ભરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાના મામલે વિવાદ વકરી રહ્યો છે.ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારોમાં અત્યાર સુધીમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, કલોલ અને માણસા વિધાનસભા વિસ્તારોમાં કુલ ૬,૯૪૫ ફોર્મ નંબર ૭ ઓનલાઇન ભરાઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં, એટલે કે ૩૦ જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન એન્ટ્રી વધીને ૧૫ હજાર થવાની શક્યતા છે.

ચૂંટણી તંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી ડ્રાફ્ટ યાદીમાં નામ હોય અને મતદાર મૃત્યુ પામ્યા હોય અથવા જે તે વિસ્તાર-બુથમાં રહેતા ન હોય તેવા કિસ્સામાં મતદાર, તેમના પરિવારજન, જે તે વિધનસભા વિસ્તારના મતદાર અથવા રાજકીય પક્ષના પ્રતિનિધિ દ્વારા વાંધા-દાવા રજુ કરી શકે છે. આ માટે ફોર્મ નં.૭ ભરવામાં આવી રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે, ગુજરાતભરમાં સાશકપક્ષે વિપક્ષની પરંપરાગત વોટબેંક દૂર કરવા માટે ચોક્કશ જાતી અને વિસ્તારના નામ કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ નં.૭ ભર્યા છે જેની ઓનલાઇન એન્ટ્રી પણ ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં અત્યાર સુધી નામ કમી કરવા માટે કુલ ૬,૯૪૫ ફોર્મ ભરાયા છે. ત્યારે રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ અને વિભાગીય સૂત્રોના અંદાજ મુજબ,ચૂંટણી તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી ડ્રાફ્ટ યાદીમાં વાંધા-દાવા રજૂ કરવાની આખરી તારીખ ૩૦ જાન્યુઆરી પહેલાં ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારોમાં લગભગ ૧૫,૦૦૦ ફોર્મ નંબર-૭ ભરાઈ શકે છે. આ ફોર્મ મુખ્યત્વે ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ કાઢવા માટે ભરવામાં આવી રહ્યા છે. જેમાં મૃતક મતદારો કે વિસ્તાર છોડીને બીજે સ્થળાંતર થયેલા વ્યક્તિઓના નામ દૂર કરવાની વાત છે. આવા ફોર્મ તેમના પરિવારજનો અથવા સ્થાનિક નાગરિકો ભરી શકે છે.ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઓફિસરને મોટાભાગના ફોર્મ જમા થઈ ચૂક્યા છે. રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકો દ્વારા આ ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે. આગામી બે દિવસમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે વધુ ફોર્મ ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોટી સંખ્યામાં ફોર્મ-૭ ભરવાના પરિણામે મતદાર યાદીમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે, જેની અસર આવનારી ચૂંટણીઓ પર પડી શકે છે. ચૂંટણી અધિકારીઓએ નાગરિકોને આગ્રહ કર્યો છે કે માત્ર યોગ્ય અને પુરાવા આધારિત ફોર્મ જ ભરવા જોઈએ, જેથી યાદીની વિશ્વસનીયતા જળવાઈ રહે અને મતદારયાદી ચકાશીને તેમાં નામ ન હોય તો જરૂરી પુરાવા સાથે ફોર્મ નં.૬ ભરીને યાદીમાં નામ ઉમેરવા માટે પણ સુચન કરવામાં આવ્યું છે.