સુખલીપુરા જમીન કૌભાંડમાં ફરાર વડોદરાની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દુબઇથી આવતાં જ પકડાયા
વડોદરાઃ વડોદરા પાસે સુખલીપુરાની જમીનના વેચાણના નામે ભાજપના કોર્પોરેટર સાથે છેતરપિંડી કરવાના કેસમાં ફરાર વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના આગેવાન દિલીપ ગોહિલને ઇકો સેલે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડયા છે.
હરણી-સમા લિન્ક રોડ નજીક રહેતા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાને સુખલીપુરાની જમીન રૃ.૧.૪૫ કરોડમાં વેચવાનો સોદો કરી જમીન દલાલ કમલેશ લાલજીભાઇ દેત્રોજા(વાત્સલ્યકુંજ, નારાયણ વાડી પાસે,ગોત્રી) અને વડોદરા કોર્પોરેશનની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગણપત સિંહ ગોહિલે(રામા પેલેસિયો, ઇસ્કોન હેબીટેટ પાસે,ન્યુ અલકાપુરી)રૃ.૨૧ લાખ લીધા હતા.જે પૈકી કમલેશને ૧૧ લાખ અને દિલીપને ૧૦ લાખ મળ્યા હતા.
કમલેશ દેત્રોજાએ આ જમીન તેના કાકાની હોવાનું કહી બાનાખત કર્યું હતું.પરંતુ ત્યારબાદ જમીનના દસ્તાવેજ માટે કમલેશ અને દિલીપે ગલ્લાતલ્લા કરતા હતા.જેથી કોર્પોરેટરે તપાસ કરાવતાં જમીન માલિકને સોદાની જાણ જ નહતી અને તેના નામની સહીઓ અને આધારકાર્ડ બોગસ જણાયા હતા.જેથી સમા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
આ કેસની તપાસ પોલીસ કમિશનરે ઇકો સેલના પીઆઇ રાકેશ ઠાકરને સોંપી હતી.પોલીસે બોગસ જમીન માલિક બનેલા કમલેશના સાગરીત જામાજી સોઢા અને કમલેશની ધરપકડ કરી હતી.જ્યારે દિલીપ ગોહિલ વિદેશ હોવાની હોઇ તમામ એરપોર્ટને જાણ કરી હતી.આજે તે દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ ઇકો સેલે ઝડપી પાડી મેડિકલ ટેસ્ટ માટે તજવીજ કરી હતી.
ભણીયારા ગામના પૂજારી સાથે પણ મંદિર માટે સોદો કરી 1 કરોડ પડાવ્યા હતા
સુખલીપુરાની જમીન વેચવાના નામે ભાજપના આગેવાન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજાએ પૂજારી સાથે પણ ઠગાઇ કરી હતી.
વડોદરા નજીક ભણીયારા ગામે આવેલા અંબાજી મંદિરના મહારાજ રમેશભાઇ પટેલને બાજપના આગેવાન દિલીપસિંહ ગોહિલ અને જમીન દલાલ કમલેશ દેત્રોજા મળ્યા હતા.કમલેશે સુખલીપુરા ગામે તેના કાકાની જમીન વેચવાની હોવાનું કહી પાવર ઓફ એટર્ની બતાવી રૃ.૧.૪૫ કરોડમાં સોદો કર્યો હતો.
પૂજારીએ વિશ્વાસ રાખી રૃ.૧.૦૪ કરોડ ચૂકવી દીધા હતા.પરંતુ ત્યારબાદ દસ્તાવેજ કરવા માટે બંને જણા બહાના બતાવતા હોવાથી શંકા ગઇ હતી.જેથી તપાસ કરતાં આ જમીન તેમણે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહને વેચી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ક્રાઇમ બ્રાન્ચે દિલીપસિંહ અને કમલેશ સામે ગુનો દાખલ કર્યો હતો.
દિલીપસિંહ કેનેડા અને થાઇલેન્ડ પણ ફર્યો
ભાજપના આગેવાન દિલીપસિંહ ગોહિલ ભારત છોડયા બાદ દુબઇ ઉપરાંત કેનેડા અને થાઇલેન્ડમાં ગયો હોવાની પોલીસને માહિતી મળી હતી.જેથી ઇકો સેલે તેની સામે લુક આઉટ નોટિસ કાઢી તમામ એરપોર્ટને જાણ કરી હતી.આજે તે અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ ઇમિગ્રેશન વિભાગના અધિકારીએ તેને રોકી રાખી ઇકો સેલના પીઆઇને જાણ કરતાં તેમણે ટીમ મોકલી ધરપકડ કરી હતી.