સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ ઉપકુલપતિનો પુત્ર નશાખોર હાલતમાં ઝડપાયો
હેમુ ગઢવી હોલની પાછળ કારમાંથી
ગર્લફ્રેન્ડ બાજુમાં બેઠી હતી અને ડો. જીગર દેસાણી દારૂ ઢીંચી રહ્યો હતો
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ અને ભાજપના નેતા ડો. વિજય દેસાણીના પુત્ર ડો. જીગર (ઉ.વ.૩૩)ને ગઇકાલે મોડી રાત્રે એ ડીવીઝન પોલીસે હેમુ ગઢવી હોલ પાસેથી નશાખોર હાલતમાં ઝડપી લીધો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ડો. જીગર ગઇકાલે હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગયો હતો. ૧૨.૩૦ વાગ્યે કાર્યક્રમ પૂરો થયા બાદ હેમુ ગઢવી હોલના પાછળના ભાગે, નાલા પાસે, કારમાં દારૂ ઢીંચવાનું શરૂ કર્યું હતું. તે વખતે સાથે તેની ગર્લફ્રેન્ડ પણ હતી. મોડી રાત્રે ૩.૪૫ વાગ્યે એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. ત્યારે ડો. જીગરની કાર જોઇ શંકા જતાં તપાસ કરી હતી.
તે દરમિયાન ડો. જીગર નશાખોર હાલતમાં મળી આવતા તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસને ડો. જીગરે એઇમ્સમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પાછળથી પોલીસે તપાસ કરતાં દોઢેક વર્ષ પહેલા એઇમ્સમાંથી છૂટા થઇ ગયાનું જાણવા મળ્યું હતું. ડો. જીગર એમબીબીએસ છે અને સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ પાછળ આલાપ હેરીટેજ બિલ્ડિંગમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા જ એ ડીવીઝન પોલીસે વોર્ડ નં. ૧૦ના યુવા ભાજપના પ્રમુખ મોનિલ શાહની દારૂના કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટના બાદ ભાજપે મોનિલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો.