એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ
પીએચડીની ડીગ્રી ખોટી હોવાનો મેસેજ વોટ્સએપ ગુ્રપમાં વાયરલ કર્યો
અગાઉ પૂર્વ વીસીએ પ્રોફેસર વિરૂદ્ધ ઇન્કવાયરીનો આદેશ કર્યો હોવાથી અંગત અદાવત રાખીને કૃત્ય કરાયુંઃ સોલા હાઇકોર્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ,ગુરૂવાર
હાલ અમદાવાદની એક ખાનગી યુનિવર્સિટીમાં વીસી તરીકે ફરજ બજાવતા વ્યક્તિ અગાઉ જ્યારે વડોદરા સ્થિત એમ એસ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમણે સતીશ પાઠક નામના પ્રોફેસર વિરૂદ્ધ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. જે અનુસસંધાનમાં અંગત અદાવત રાખીને પ્રોફેસરે એમ એસ યુનિવર્સિટીના નામથી બુંદેલખંડ યુનિવર્સિટીમાં ઇમેઇલ કરીને વાઇસ ચાન્સેલરની પીએચડી ડીગ્રીની વિગતો મંગાવી હતી. ઇમેઇલમાં વીસીનું ખોટુ નામ દશાવાયુ હોવાથી યુનિવર્સિટીએ પીએચડીની ડીગ્રી અંગે સ્પષ્ટતા કરી નહોતી. જેથી પ્રોફેસરે આ માહિતીના આધારે વોટ્સએપ ગુ્રપમાં પૂર્વ વીસીને બદનામ કર્યા હતા. જે અંગે સોલા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના રાંદેસણમાં રહેતા આવેલા વેદિકા હેબીટેટ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ શ્રીવાસ્તવે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે હાલ ગોતામાં આવેલી કે એન યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવે છે. તે પહેલા ફેબુ્રઆરી ૨૦૨૨થી જાન્યુઆરી ૨૦૨૫ સુધી તે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વીસી તરીકે કામગીરી કરી હતી. તે સમયે એમ એસ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પ્રોફેસર સતીશ પાઠક વિરૂદ્ધ સતત ફરિયાદ આવતા તેમણે તેના વિરૂદ્ધ ઇન્કવાયરીનો આદેશ કર્યો હતો. જે બાબતે નારાજ પ્રોફેસર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. પરંતુ, તે પીટીશન રીજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ સતીશ પાઠક વીસી વિજયભાઇને સોશિયલ મિડીયા અને ન્યુઝ મિડીયામાં બદનામ કરવા માટે વાંધાજનક નિવેદનો આપતા હતા.
વિજયભાઇએ વર્ષ ૨૦૦૦માં બુદેલખંડ યુનિવર્સિટી સલંગ્ન કોલેજમાંથી પીએચડીની ડીગ્રી લીધી હતી. વિજયભાઇ અભ્યાસ કરતા હતા ત્યારે તેમનું નામ વિજય કુમાર લખ્યું હતું પરંતુ, શ્રીવાસ્તવ અટક લખી નહોતી. થોડા દિવસ પહેલા એમ એસ યુનિવર્સિટીના વોટ્સએપ ગુ્રપમાં સતીશ પાઠકે એક પોસ્ટ મુકી હતી કે વિજયભાઇની પીએચડીની ડીગ્રી બનાવટી છે. આ માટે તેમણે રજીસ્ટ્રારને ફરિયાદ નોંધવા માટે કહ્યું હતું. આ બાબતે વિજયભાઇએ બુંદેલખંડ યુનિવર્સિટી ખાતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે પ્રોફેસરે એમ એસ યુનિવર્સિટીના નામે તેમના ઇમેઇલથી બુંદેલખંડ યુનિવર્સિટી ખાતે વિજયકુમાર શ્રીવાસ્તવની પીએચડી ડીગ્રીની માહિતી માંગી હતી. પરંતુ, તે સમયે બુદેલંખંડ યુનિવર્સિટીમા તેમનું નામ માત્ર વિજયકુમાર હોવાથી ડીગ્રી અંગે સ્પષ્ટતા આપી નહોતી. જેથી પ્રોફેસરે વીસીની ડીગ્રી બનાવટી હોવાનું કહીને તેમને બદનામ કર્યા હતા. આ અંગે તેમણે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકણે પ્રોફેસર સતીશ પાઠતક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.