તળાજા નગરપાલિકાના પૂર્વ નગરસેવકની છરીના ઘા ઝીંકી હત્યા

- પ્રેમ પ્રકરણ મામલે મહુવામાં મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો
- પ્રેમિકાના પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ હત્યા કરી, મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
તળાજા વોર્ડ નં.૨ના પૂર્વ કોંગી નગરસેવક સુનિલભાઈ ખોડાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)ને ગત મોડી રાત્રિના મહુવા નુતનનગર શાળા નં.૧૨ના ખુણા પાસે હરેશ ઉર્ફે ડામરીયો જીવણભાઈ ચૌહાણ અને કુલદીપ ઉર્ફે જીગો ભુપતભાઈ ચૌહાણ (બન્ને રહે. મહુવા)એ ઉભા રાખી બાઈક નીચેથી પછાડી દઈ બન્નેએ સુનિલભાઈને આડેધડ છરીના ઘા ઝિંકી દઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધાં હતા અને બુમાબુમ થતાં આ વિસ્તારમાં રહેતા સુંદરબેન, કાજલબેન અને કુણાલભાઈ વચ્ચે પડતા કુલદીપે કાજલબેનને જમણા હાથમાં છરી મારી દીધી હતી, તેમજ સુંદરબેનને ઢીકાપાટુંનો માર મારવા લાગ્યા હતા અને આ દરમિયાન આજુબાજુ લોકો એકઠાં થઈ જતાં બન્ને શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. બીજી તરફ ગંભીરરીતે ઈજાગ્રસ્ત સુનિલભાઈ ખોડાભાઈ ચૌહાણને સારવારાર્થે મહુવા હનુમંત હોસ્પિટલ અને ત્યાંથી ભાવનગર લઈ જવાઈ રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની સ્થિતિ ખરાબ થતાં તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે મૃતકના પુત્ર પ્રિન્સભાઈ સુનિલભાઈ ચૌહાણ (રહે.તળાજા)એ મહુવા પોલીસ મથકમાં હરેશ ઉર્ફે ડામરીયો જીવણભાઈ ચૌહાણ અને કુલદીપ ઉર્ફે જીગો ભુપતભાઈ ચૌહાણ (બન્ને રહે. મહુવા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પિતા સુનિલભાઈને કાજલબેન સાથે પ્રેમસંબંધ હોય જે ઉક્ત હરેશ ઉર્ફે ડામરીયાને નહી ગમતા તેની દાઝે ઉક્ત બન્ને લોકોએ તેમના પિતાનું છરીના ઘા મારી જીવલેણ ઈજા કરી મોત નિપજાવ્યું હતું. બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.








