Get The App

પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ 1 - image


સત્યાગ્રહ છાવણી ઉપર નવ દિવસ સુધી આંદોલન કરતા ધીરજ ખૂટી

ઘ-૩ સુધી પહોંચી ગયેલા માજી સૈનિકોએ બેરીકેટીંગ પણ તોડયા ઃ પોલીસે દોડી આવીને નાકાબંધી ગોઠવી દીધી

ગાંધીનગર :  ગાંધીનગરમાં છેલ્લા નવ દિવસથી સત્યાગ્રહ છાવણી ઉપર પડતર માગણીઓને લઈ આંદોલન ઉપર બેઠેલા માજી સૈનિકોને સરકારમાંથી કોઈ પૂછવા પણ નહીં આવતા આજે ધીરજ ખૂટી હતી અને માંગણીઓને લઈ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે સૈનિકોને વિખેરી ડીટેઇન કરવાની કામગીરી શરૃ કરી હતી.

પાટનગરમાં ફરીથી આંદોલનો શરૃ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાંથી આંગણવાડી બહેનો અને ટાટના ઉમેદવારો રજૂઆત માટે સત્યાગ્રહ છાવણી ઉપર ઉમટી પડયા હતા ત્યારે આજ છાવણી ઉપર છેલ્લા નવ દિવસથી રાજ્યમાંથી આવેલા માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈ આંદોલન ઉપર બેઠા હતા. સરકારી ભરતીમાં માજી સૈનિકો માટે અલગથી અનામત બેઠકની માંગણી કરવામાં આવી છે અને અન્ય કોઈ કેટેગરીમાં તેમનો સમાવેશ નહીં કરવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી કોઈ જ પ્રત્યુતર આપવામાં આવ્યો નથી.

છેલ્લા નવ દિવસથી સત્યાગ્રહ છાવણી ઉપર બેઠેલા આ માજી સૈનિકોની આજે ધીરજ ખૂટી પડી હતી અને સરકારને સોમવારે બપોરે ૩થ૦૦ વાગ્યા સુધીનો અલ્ટીમેટમ આપ્યું હતું તેમ છતાં સરકારના કોઈ પ્રતિનિધિ પણ તેમને મળવા માટે આવ્યા ન હતા જેથી આજે મોટી સંખ્યામાં માજી સૈનિક સત્યાગ્રહ છાવણી ઉપર એકઠા થયા હતા અને વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. જેના પગલે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને વિધાનસભા તરફના તમામ માર્ગો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે સત્યાગ્રહ છાવણીથી મોટી સંખ્યામાં માજી સૈનિકો ઘ માર્ગ થઈને વિધાનસભા તરફ કુચ કરી રહ્યા હતા. જેના કારણે પથિક આશ્રમ સર્કલ પાસે બેરીકેટીંગ હોવાથી પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમને ડિટેઇન કરવાની કામગીરી શરૃ કરી હતી પરંતુ પોલીસ દ્વારા જે વાહનમાં આ જવાનોને લઈ જવામાં આવતા હતા તેને પણ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ બગડે તેમ હોવાથી પોલીસે તેમને જવા દીધા હતા. જોકે આ જવાનોને આગળ જવા દેવામાં આવ્યા ન હતા અને વિધાનસભા સુધી સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા.

Tags :