સુરેન્દ્રનગર, 25 જાન્યુઆરી 2023 બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લાના શેખલિયા ગામે ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે પૂર્વ સરપંચની હત્યા કરી દેવામાં આવી છે. તેમના પરિવારજનોએ ચૂંટણીની અદાવતમાં હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે ફોર્મ પાછું ખેંચવા ખાર રાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી ફરાર થયેલા આરોપીઓની ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે
કુહાડીના ઘા મારતાં માથામાં ગંભીર ઈજા થઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી સરપંચની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અગાઉ ચુંટણીમાં સરપંચનું ફોર્મ ભરવાની ના પાડવા છતાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયાને શેખલિયા ગામના રજની કુમરખાણીયા, ગાંડુ કુમરખાણીયા અને ભારત કુમરખાણીયાએ મૃતકને નીચે પાડી દઇ ધારદાર કુહાડીનો ઘા માથામાં ઝીંકી દઇ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બાદમાં ગોવિંદભાઇ ગોળીયાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
હત્યા થયા બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ
શેખલીયા ગામે માજી સરપંચની હત્યા થયા બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસ સ્ટાફને પણ જરૂરી સૂચનાઓ જિલ્લા પોલીસ વડા દ્વારા આપી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને હત્યાના ત્રણ બનાવો બન્યાં છે.


