MSUના પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે 6 મહિના બાદ વીસી બંગલાનું બાકી 52000 ભાડું ભર્યું
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામુ આપ્યાના 6 મહિના બાદ સત્તાવાર નિવાસ સ્થાનનું બાકી 52000 રૂપિયા ભાડું ચૂકવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ નહીં હોવાથી ડો.શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલરના હોદ્દા પર રહી ના શકે તે મુદ્દે હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન બાદ તા.8 જાન્યુઆરીએ ડો.શ્રીવાસ્તવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરપદેથી રાજીનામુ આપ્યું હતું.
જોકે તેમણે 15 માર્ચ સુધી વાઈસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કર્યું નહોતું. જેના પગલે યુનિવર્સિટી દ્વારા તેમને માર્કેટ રેટ પ્રમાણે ભાડું ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ રકમ 52000 રૂપિયા જેટલી થતી હતી. ડો.શ્રીવાસ્તવે જોકે બંગલો ખાલી કરતી વખતે આ ભાડું ભર્યું નહોતું.
સૂત્રોનું કહેવું છે કે, ડો.શ્રીવાસ્તવને કેટલાક દિવસનો પગાર લેવાનો બાકી નીકળતો હતો અને તે પગાર લેતા પહેલા ભાડું ભરવું જરૂરી હતું. આખરે 6 મહિના બાદ તેમણે તા.30 જુલાઈના રોજ ભાડું જમા કરાવ્યું છે અને એ પછી તેમને એનઓસી આપવામાં આવ્યું છે.