પૂર્વ ધારાસભ્ય ભાયાણી અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ : ભાયાણીને ગદ્દાર કહીને ઝાટકતો 'આપ', વ્યક્તિગત આક્ષેપો અને વચનભંગના મુદ્દા પર કેન્દ્રિત થતી જતી જૂનાગઢ જિલ્લાની ચૂંટણી
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે રાજકીય ગરમાવો ફેલાયો છે. વિસાવદરના 'આપ'ના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં ભળ્યા બાદ એ બેઠકની પેટા ચૂંટણીમાં ટિકિટ નહીં મેળવી શકેલા ભાયાણીએ હવે ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. તેમના અને 'આપ' વચ્ચે શરૂ થયેલાં વાકયુધ્ધે વાતાવરણ ગરમ કરી દીધું છે.
વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી હવે ભેંસાણમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે. પક્ષપલટા પછી હવે સૂર બદલીને તેમણે કહ્યું કે, 'વિસાવદર કે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયાની હવે કોઈ અસર રહી નથી, તેમણે જનતા માટે કોઈ કામ કર્યા નથી અને લોકો હવે વિકાસની રાજનીતિ સાથે છે, ભાજપના શાસનમાં જ ખરો વિકાસ શક્ય છે.'
તેમનાં આ નિવેદન સામે આપના સ્થાનિક નેતાઓએ આક્રમક વલણ અપનાવી વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'ભુપત ભાયાણી જ્યારે ભેસાણના સરપંચ હતા ત્યારે આપેલા વચનો પણ હજુ સુધી અધૂરા છે. તાલુકા પંચાયતની ચૂંટણી હારેલા ભાયાણીને આપમાંથી ટિકિટ આપી ધારાસભ્ય બનાવી ઓળખ આપી, તેમની સાથે જ તેમણે દગો કર્યોે છે. ગદ્દારી કરનાર વ્યક્તિ જનતાનો વિશ્વાસ ક્યારેય જીતી શકતી નથી.' એક તરફ ભુપત ભાયાણી ભાજપમાંથી ટિકિટ મેળવી જીતવાનો દાવો કરી રહ્યા છે, તો આપના આગેવાનોએ ભાજપને અપીલ કરી છે કે, 'ભાયાણીને જ ટિકિટ આપજો, અમારે તેને હરાવવા છે.' જો ભાજપ ભુપત ભાયાણીને મેદાનમાં ઉતારશે, તો તેમને પક્ષના આંતરિક વિરોધ અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચાર એમ બેવડા પડકારનો સામનો કરવો પડશે. જૂનાગઢ જિલ્લાની આ ચૂંટણી હવે વ્યક્તિગત આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વિકાસ વિરૂધ્ધ વચનભંગના મુદ્દાઓ પર કેન્દ્રિત થતી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ટિકિટોની વહેંચણી બાદ આ રાજકીય જંગ વધુ તીવ્ર બનશે તેમ મનાય છે.


