ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી
Former MLA Kesarisinh Solanki suspended from BJP : ખેડા જિલ્લામાં ભાજપ સામે બંડ પોકારનાર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા પ્રમુખ નયનાબહેન પટેલ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે વર્ષ 2014માં પ્રથમ વખત માતર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય બન્યા હતા.
ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા
કેસરીસિંહ વારંવાર કરવામાં આવતી પક્ષ વિરોધી કામગીરીને લઈને પક્ષના જ માતરના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પ્રશ્નો ઉભા કર્યા હતા. જેને લઈને ખેડા જિલ્લા પ્રમુખ નયનાબહેન પટેલ દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકીની રાજ્ય સભાની ચૂંટણી વખતે ભરતસિંહ તરફી મત નાખવાની વાત બહાર આવતા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. કેસરીસિંહ સોલંકી દ્વારા ત્યારબાદ ખેડા આણંદ જિલ્લામાં અમુલ ડેરીને લઈને તથા અમૂલ ડેરીના ચેરમેન અને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક વિશે અનેક આક્ષેપો અને ગંભીર આરોપો મૂકી આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, વર્ષ 2021માં હાલોલના જિમિરા રિસોર્ટમાં પંચમહાલ LCBએ દરોડા પાડ્યા હતા. જેમાં LCBએ એ સમયે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 3 નેપાળી અને 7 મહિલા સહિત 29 લોકોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. ત્યારે હાલોલની કોર્ટે ધારાસભ્યને જુગાર રમવા બદલ બે વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી.