પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાનાં પત્ની હીરલબા, સાગરિત રિમાન્ડ પર
પોરબંદરમાં 70 લાખ કઢાવવા 3 લોકોને ગોંધી રાખ્યાની FIR : મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી મહિલાએ વીડિયો વાયરલ કરીને પિતા, પુત્ર અને પતિનું અપહરણ થયાની કથની વર્ણવી હતી
પોરબંદર, : મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પૈસાની લેતી-દેતી મામલે તેના પિતા- પુત્ર અને પતિનું અપહરણ કરીને પૂર્વ ધારાસભ્ય સ્વ.ભુરા મુંજા જાડેજાનાં પત્ની હિરલબા જાડેજા અને તેના માણસો દ્વારા સૂરજ પેલેસ બંગલે ગોંધી રખાયાનું જણાવી રડતા-રડતા વડાપ્રધાનથી માંડીને જિલ્લા પોલીસવડાની મદદ માંગી હતી. આ બનાવમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે અને હિરલબા જાડેજા તથા તેના એક સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. હિરલબાના બે દિવસના અને તેના સાગરિતના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે આ બનાવે પોરબંદર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.
પોરબંદરના નજીકના કુછડી ગામની અને હાઇ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરાએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને રડતા રડતા એવુ જણાવ્યંુ હતું કે હિરલબા જાડેજા અને તેના માણસોએ લીલુબેનના પતિ અને સત્તર વર્ષના પુત્રને તથા પિતાને સૂરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યા છે તથા લીલુબેને લીધેલા રૂપિયા પાછા આપવા તેમની દબાણ કરી રહ્યા છે. વડાપ્રધાનથી માંડીને પોરબંદરના એસ.પી. તેમને મદદ કરે તેવી માંગણી છે. આ પ્રકારના વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસ દ્વારા ઉંડાણથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
પૂરતા પ્રમાણમાં પોલીસ દ્વારા તપાસ થાય તે પહેલાં અચાનક મહિલાના પતિ ભનુભાઇ અને પુત્ર રણજીત પોલીસમથકે હાજર થયા હતા અને જણાવ્યું હતુ કે તેમનું કોઇ અપહરણ કરવામાં આવ્યું નથી. લીલુબેને જેમની પાસેથી પૈસા લીધા છે તેવા અનેક લોકો હેરાન કરતા હોવાથી હિરલબા જાડેજાની મદદ માટે તેમને ત્યાં ગયા હોવાનું જણાવીને હિરલબાએ અપહરણ કરીને ગોંધી નહી રાખ્યાનું પોલીસ સમક્ષ વીડિયોમાં કબુલ્યું હતું.
દરમ્યાન, અચાનક જ હાર્બર મરીન પોલીસમથકમાં લીલુબેનના પિતા ભનાભાઇ અરજણભાઇ ઓડેદરા (રહે.કુછડી. ઉ.વ. 64) દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમની દીકરી લીલુએ લીધેલા 70 લાખ રૂપિયા કઢાવવા માટે તા. 11-4ના રાત્રે ફરિયાદી ભનાભાઇ, તેના જમાઇ ભનુભાઇ અને ફરિયાદીની સાળી ગીગીબેનનું અપહરણ કરી કારમાં પોરબંદરના સૂરજ પેલેસ બંગલે કે જ્યાં હિરલબા ભુરાભાઇ જાડેજા વસવાટ કરે છે ત્યાં લઇ ગયા હતા. હિરલબા જાડેજાની સામે જ અન્ય બે શખ્શો હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરાએ ભનાભાઇની દીકરી સાથે ભનાભાઇ અને તેના જમાઇ ભનુભાઇની વીડિયો કોલમાં વાત કરાવી હતી અને રૂપિયા કઢાવવા માટે દબાણ કર્યુ હતું તથા ફરિયાદી ભનાભાઇ અને તેના જમાઇ ભનુભાઇને ગેરકાયદેસર રીતે છુપાવી અટકાયતમાં રાખ્યા હતા. એટલું જ નહી પરંતુ ચાર-પાંચ દિવસ પછી દીકરી લીલુના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરીને તેને પણ સૂરજપેલેસ બંગલે લાવવામાં આવ્યો હતો અને તેના પિતા અને નાના સાથે રાખીને ફોન પર તેની માતા લીલુ સાથે વાત કરાવી પૈસા આપી દેવા માટે દબાણ કર્યુ હતું. હિતેશ ભીમા ઓડેદરા અને હિરલબાના માણસોએ ભનાભાઇ અને તેના જમાઇ ભનુભાઇને માર મારી રણજીતને ધમકીઓ આપી હતી. હિતેશે બળજબરીથી ભનાભાઇ પાસે અલગ-અલગ અગિયાર જેટલા કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી, તો વિજય ભીમા ઓડેદરાએ દોઢેક લાખના સોનાના દાગીના લઇ લીધા હતા. આમ, ફરિયાદી ભનાભાઇ અરજણ ઓડદરા અને તેના જમાઇ ભનુભાઇને સતર દિવસ સુધી તથા દોહિત્ર રણજીતને બાર દિવસ સુધી સૂરજ પેલેસ બંગલે બળજબરીથી 70 લાખ કઢાવી લેવા ગોંધી રાખ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવમાં હિરલબા જાડેજા તથા તેના સાગરિત હિતેશ ભીમા ઓડેદરાની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા હિરલબાના બે દિવસના અને હિતેશના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.