Get The App

ગોરવા પોલીસે પકડેલા ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમડી તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના

કોર્ટની શરત ભંગ કરવા અંગેે માહિતી મળતાં લગ્ન પ્રસંગમાંથી અટકાયત કરાઇ હતી

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
ગોરવા પોલીસે પકડેલા ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમડી તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના 1 - image

વડોદરાઃ વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં લવાયેલા ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ એમડી દેત્રોજા મોરબી પોલીસ લેવા આવે તે પહેલાં તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના થઇ જતાં મોરબી પોલીસને ધક્કો પડયો છે.

સમગ્ર પ્રકરણની મોરબી અને પોલીસમાંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, સરકારે બંધ કરી દીધેલા ગુજરાત જમીન વિકાસ નિગમના કૌભાંડોમાં પૂર્વ એમડી કનૈયાલાલ દેત્રોજાનું પણ નામ બહાર આવ્યું હતું અને તેમની સામે છ વર્ષ પહેલાં કાર્યવાહી થઇ હતી.મોરબીથી મળતી માહિતી મુજબ, કનૈયાલાલ દેત્રોજા સામે વર્ષ-૨૦૨૨માં જમીનના કેસમાં રૃ.૧ કરોડની છેતરપિંડી બદલ એક ગુનો નોંધાયો હતો.જેમાં તેમને આગોતરા જામીન મળ્યા હતા.

દરમિયાનમાં ગઇકાલે ગોરવા પોલીસને કનૈયાલાલ દેત્રોજા ગોરવાના સમતા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાની માહિતી મળતાં તેમને પોલીસ સ્ટેશન લવાયા હતા.પોલીસે મોરબી પોલીસને આ બાબતે જાણ કરતાં પોલીસ વડોદરા આવવા નીકળી હતી.

તો બીજીતરફ પકડાયેલા ઉપરોક્ત સિનિયર સિટિઝન શખ્સે તે પોતે કનૈયાલાલ દેત્રોજા નહિ હોવાની વારંવાર રજૂઆતો કરતા હતા અને ગભરામણ તેમજ છાતીના દુઃખાવાની ફરિયાદ કરતાં ગોરવા પોલીસે તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવાને  બદલે સારવાર લઇને પરત આવવા માટે સૂચના આપી જવા દીધા હતા.પરંતુ ત્યારપછી તેઓ પરત આવ્યા જ નહતા કે તેમનો પત્તો પણ લાગ્યો નથી.જેથી મોરબી પોલીસને ધક્કો પડયો હતો.

મળતી માહિતી મુજબ,મોરબીના કેસમાં કનૈયાલાલને મોરબી નહિ છોડવાની શરત સાથે આગોતરા જામીન મળ્યા હતા.જેથી આ શરતના ભંગ  બદલ તેમની સામે કાર્યવાહી થાય તેમ હતું.પરંતુ હવે મોરબી અને ગોરવા પોલીસ તેમને શોધવામાં લાગી છે.

ગુજરાત જમીન વિકાસ નિગમમાં ACBએ રેડ પાડી ત્યારે

પૂર્વ એમડી સહિતના લોકો પાસેથી 56 લાખ મળ્યા હતા

કૌભાંડોને કારણે સરકારે બંધ કરી દીધેલા ગુજરાત જમીન વિકાસ નિગમમાં કરોડોના ભ્રષ્ટાચારની એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ,છ વર્ષ પહેલાં એસીબીએ રેડ પાડી ત્યારે પૂર્વ એમડી કનૈયાલાલ દેત્રોજા,જોઇન્ટ ડાયરેક્ટર કેસી પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારી પાસેથી રોકડા રૃ.૫૬ લાખ કબજે લેવામાં આવ્યા હતા.

પૂર્વ એમડી દેત્રોજા સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો કેસ પણ કર્યો હતો અને તેમાં અમદાવાદ,મોરબી સહિતના શહેરોમાં તેમની અને તેમના સગાં-સંબંધીના નામે ૭૦ હેક્ટર જેટલી જમીન પણ હોવાનું ખૂલ્યું હતું.