Get The App

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચારને 5 વર્ષની સખત કેદ

Updated: Apr 20th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચારને 5 વર્ષની સખત કેદ 1 - image

કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જિંદાલ કંપનીને આર્થિક ફાયદો પહોંચાડવાના કેસમાં

બે હેકટર જમીન 15 લાખ રૂપિયાની નજીવી કિંમતે ઔદ્યોગિક હેતુ માટે મંજુર કરવાની સતાની સામે શર્માએ 47,173 ચો.મી. જમીન મંજુર કરી હતી

ભુજ: કચ્છ જિલ્લામાં કલેક્ટરના કાર્યકાળ દરમિયાન મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ખાતે આવેલી જિંદાલ સો પાઈપ્સ લિમિટેડ કંપનીને અયોગ્ય રીતે જમીન ફાળવણી કરવાના મામલે  પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત અન્ય સહ આરોપીઓને કસુરવાર ઠેરવી ભુજની કોર્ટે પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦૦૦૦ નો દંડ ફટકાર્યો છે. ભૂકંપ વખતે અમુક ખાનગી કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવા અને ખોટી રીતે જમીન ફાળવણી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના જુદા જુદા કેસોમાં ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદની વિશેષ ઈડી કોર્ટ દ્વારા અલગ અલગ કેસોમાં શર્માને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

ભુજ કોર્ટના ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સંભળાવેલા ચુકાદામાં પ્રદીપ શર્માની સાથે આ મામલે ભુજના તત્કાલીન નગર નિયોજક  નટુભાઈ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પોપટલાલ અને અજીતસિંહ ઝાલા (તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર ભુજ) ને દોષિત ઠેરવીને સજા ફટકારી છે.

સરકારના પરિપત્ર તેમજ હુકમ મુજબ ભૂકંપ વખતે કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માને બે હેકટર જમીન ૧૫ લાખ રૂપિયાની નજીવી કિંમતે ઔદ્યોગિક હેતુ માટે મંજુર કરવાની સતા હતી. જેની સામે શર્માએ ૪૭,૧૭૩ ચો.મી. જમીન મંજુર કરી દીધી હતી. તેમના પર સરકારના હુકમની અવગણના કરવાનો અને બદઈરાદે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો જે આરોપ હતો તેમાં તેઓ દોષિત ઠર્યા છે. 

ભુજ અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯, ૧૨૦ (બી) હેઠળ કાર્યવાહી કરીને પાંચ વર્ષની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે, કચ્છમાં કલેક્ટર પદે રહીને ખાનગી કંપનીઓને જમીન ફાળવણી કરીને સરકારી તિજોરોને નુકસાન પહોંચાડવાના કેસોમાં પ્રદીપ શર્માની મુશ્કેલીઓનો અંત આવવા પામ્યો નથી. એક પછી એક કેસમાં શર્માને જેલ હવાલે થવાનો વારો આવતો રહ્યો છે. 

અમદાવાદની ઈડી કોર્ટે ફટકારેલી સજા પૂર્ણ થયા બાદ આ સજાનો સમયગાળો શરૂ થશે

ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદની વિશેષ ઈડી કોર્ટે પ્રદીપ શર્માને ૫ વર્ષની સજા ફટકારી છે. તે પૂર્ણ થયા બાદ ભુજ કોર્ટે ફટકારેલી આ સજાના સમયગાળાની ગણતરી શરૂ કરવામાં આવશે. અને જો દંડની રકમ નહીં ભરે તો વધુ ૬ મહિનાના સખત કેદની સજાનો હુકમનો પાલન કરવાનું રહેશે.

વેલસ્પન ઈન્ડિયા લિમિટેડને નીચા ભાવે જમીન ફાળવણીમાં ધરપકડ થઈ હતી

પ્રદીપ શર્મા કચ્છમાં વર્ષ- ૨૦૦૩થી ૨૦૦૬ દરમિયાન કલેક્ટર પદે ફરજ બજાવતા હતા. આ ફરજના કાર્યકાળ દરમિયાન શર્માએ વેલસ્પન ઈન્ડિયા લિમિટેડ શો પાઈપ્સ કંપનીને ગેરકાયદેસર રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારબાદ બંને કેસમાં સીઆઈડી ક્રાઈમે તેમની ધરપકડ કરી હતી અને પાલારા જેલમાં ધકેલ્યા હતા. 

એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં શર્મા દોષિત જાહેર થયા હતા

પૂર્વ આઈ.પી.એસ. પ્રદીપ શર્માને ગત જાન્યુઆરી મહિનામાં ત્રણ જુદા જુદા કેસોમાં અમદાવાદની વિશેષ અદાલતે બે કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા જયારે એક કેસમાં સતાના દુરૂપયોગ મામલે દોષિત જાહેર કર્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં શર્માને ૫ વર્ષની સજા ફટકારાઈ હતી. સાથે ૭૫ હજારનો દંડ ફટકાર્યો હતો. જે તે સમયે ભુજ સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ મથકે ભુજ શહેરના તત્કાલીન મામલતદાર કલ્પનાબેન ગોદિયાએ નાયબ કલેક્ટર સંજય છોટાલાલ શાહ નામના વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં શર્મા દોષિત ઠર્યા હતા. શર્મા સામે આરોપ હતો કે, ભુજમાં રોડ પાસેની જમીન બિનખેતી કરાવી આપી હતી. પહેલા જમીન ખેતી માટે મંજુર કરી હતી.અને પાછળથી બિન ખેતી કરી દીધી હતી. ભુજ શહેર મામલતદારે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના બિલ્ડર સંજય શાહને આ જમીન વેંચ્યાનો ખુલાસો થયો હતો.