પ્રખર જનસંઘી અને ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું જૂનાગઢમાં 93 વર્ષની જૈફ વયે નિધન
પ્રખર જનસંઘી અને ભાજપના વરિષ્ઠ મહિલા આગેવાનનું નિધન
વડાપ્રધાને સદ્દગતના પુત્ર સાથે ટેલિફોનિક વાત કરી શ્રદ્ધાંજલિ પાઠવી, અંતિમ યાત્રામાં દરેક સમાજના આગેવાનો જોડાયા
હેમાબેનનો જન્મ 10 ઓગસ્ટ, 1933ના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ મુકામે થયો હતો. તેમના પિતાજી જયદેવભાઈ જ. દવે શાળા અધિકારી હોવાથી 1951-52માં વિરમગામથી બદલી જૂનાગઢ ખાતે થઈ હતી. 1957માં સૂર્યકાંતભાઈ આચાર્ય સાથે હોમાબેનના લગ્ન થયા હતા. 1958માં જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ તેમાં જનસંઘના દિપક નિશાન પર હેમાબેન આચાર્ય સહિતના છ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1958થી 1972 સુધી ગુજરાત જનસંઘની વર્કિંગ કમિટીના સભ્ય રહ્યા હતા. 1959માં શાળા સમિતિ, રેડક્રોસ સમિતિના ચેરપર્સન તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 1967માં ફરીથી નગરપાલિકાની ચૂંટણીમાં 25માંથી કુલ 17 સભ્યો ચૂંટાયા હતા. તેઓ 1969 સુધી પ્રમુખપદે રહ્યા હતા. આ સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સિવાય માણાવદર અને બોટાદમાં પણ જનસંઘની સ્વતંત્ર નગરપાલિકા બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ. હેમાબેન આચાર્યને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. સદગતના પુત્ર ધ્રુવભાઈ સાથે બપોરે 1.36 મિનિટે ટેલિફોનિક વાતચીત કરી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી.
આજે ભૂતનાથ સત્સંગ હોલમાં પ્રાર્થનાસભા
સ્વ. હેમાબેન આચાર્ય તે સ્વ. સૂર્યકાંતભાઈ આચાર્ય (પૂર્વ સાંસદ- રાજ્યસભા)ના પત્ની, ધુ્રવકુમારના માતુશ્રી, ભાવનાબેનના સાસુ, મેહુલકુમાર, નાલંદાબેન, શિવરાજભાઈના દાદી, મહેશભાઈ કનુભાઈ આચાર્ય, સુરેશભાઈ, સુધાબેનના કાકીનું 11 મેના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા 12 મે, સોમવારે સાંજે 4થી 6 ભૂતનાથ મહાદેવ મંદિરના સત્સંગ હોલ ખાતે રાખવામાં આવ્યું છે.