શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી , પાંચ ગુનાના ભેદ ઉકેલાયા
ઝડપી નાણાં કમાવવા શોર્ટકટ અપનાવ્યો
આરોપી પાસેથી રેક્ટિફાયર કેસેટો, મોડ્યુલ સહિત 2.90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો
શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ટાવરોમાંથી થઈ રહેલ કિંમતી રેક્ટિફાયર કેસેટોની ચોરી મામલે ક્રાઇમબ્રાન્ચની ટીમે મોબાઈલ ટાવરની કંપનીમાં કામ કરી ચૂકેલા કર્મચારીને ઝડપી પાડી ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
તાજેતરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોબાઈલ ટાવરની નીચે બનાવેલી દિવાલ તોડી મોબાઈલ ટાવરની અંદરથી રેક્ટિફાયર કેસેટોની ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હોય ચોક્કસ માહિતીના આધારે માંજલપુર સૂર્યદર્શન ટાઉનશિપ સામે બ્રિજ નીચે એક શખ્સ ઈલેક્ટ્રીક મોપેડ લઈ શંકાસ્પદ રીતે ઊભો હોય પોલીસ કોર્ડન કરી તેને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં શખ્સ પ્રકાશ પ્રેમસિંગ રાજપુત (રહે - સૂર્યદર્શન ટાઉનશીપ, વિશ્વામિત્રી રેલવે ક્રોસિંગ, માંજલપુર) હોવાનું બહાર આવ્યું હતું. મોપેડના આગળના ભાગેથી મોડ્યુલ સાથે બે નંગ રેક્ટિફાયર કેસેટો મળી આવી હતી. પોતે મોબાઈલ ટાવરની કંપનીમાં કામ કરી ચૂક્યો હોય ઝડપી નાણા કમાવવા શોર્ટકટ અપનાવી અટલાદરા વડ ગાર્ડન , તરસાલી રાજીવનગર, મકરપુરા એરફોર્સ, આજવા રાત્રી બજાર, સનફાર્મા રોડ હરી બંગ્લોઝ અને વાઘોડિયા રોડ પ્રથમ રેસીડેન્સી તળાવ પાસેના મોબાઈલ ટાવરો માંથી રેક્ટિફાયર કેસેટોની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી બાપોદ, અટલાદરા ,જેપી રોડ, કપુરાઈ અને મકરપુરા પોલીસ મથકેન નોંધાયેલ ગુનાના ભેદ ઉકેલાયા હતા. આરોપીએ ચોરી કરેલ રેક્ટિફાયર કેસેટો ઘર નજીક ઝાડીઓમાં છુપાવી હતી. અને તે પૈકીની બે રેક્ટિફાયર કેસેટો વેચવાના ફિરાકમાં હોય પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 60 હજારની બે રેક્ટિફાયર કેસેટો, રૂ. 1.80 લાખના ૧૮ મોડ્યુલ, ઈલેક્ટ્રીક સ્કૂટર, હથોડી સહિત કુલ રૂ. 2,90,100નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ થઈ હતી.