Gujarat

મુંબઇમાં કારચાલક પર હુમલાના બનાવમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણની ધરપકડ

By GS TEAM
21 Apr 20262 mins read
મુંબઇમાં કારચાલક પર હુમલાના બનાવમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણની ધરપકડ

વડોદરાઃ વડોદરાના  ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણના સસરા અને સાળા સહિત ત્રણની મુંબઈમાં કાર ચાલક ઉપર  હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. કારથી પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા ઉપરોક્ત બનાવ બન્યો હતો.

પોલીસે  જણાવ્યું કે શનિવારે રાત્રે નવેક વાગ્યે યુસુફ ખાન નામનો યુવક પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે   મઝગાંવના હીરાબાઈ કમ્પાઉન્ડ પાસે  શોએબ ખાન (૩૫ ) ઉપર ખાડાને કારણે પાણીના છાંટા ઉડયા હતા. યુસુફ ખાને તરત જ કાર રોકી અને માફી માંગી હતી. આમ છતાં  શોએબ ખાન ગુસ્સે થઈ ગયો હતો અને અપશબ્દો ઉચ્ચારી લાકડી વડે કાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરા ખાલિદ ખાન સહિતના સંબંધીઓ પણ ત્યાં આવી ગયા હતા અને ઝઘડો કર્યો હતો. 

    પોલીસના જણાવ્યા અનુસાર ખાલિદ ખાન સાથે તેમના પુત્ર ઉમરશાદ ખાન તથા અન્ય એક સંબંધી શહઝાદ ખાને  કાર ચાલક યુસુફ ખાન અને તેના પરિવાર  ઉપર લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો હતો. આ બનાવની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ખાલિદ ખાન અને અન્ય બે આરોપીની ધરપકડ કરી હતી.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલામાં યુસુફ ખાનને તથા તેના એક સંબંધીને ઘણી ઇજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.   ભાયખલા પોલીસ સ્ટેશનમાં  શોએબ ખાન, ખાલિદ ખાન અને અન્ય લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હુમલાખોરોને અદાલતમાં  રજૂ  કરતાં તેમને તા.૨જી મે સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ હજી એક આરોપીની શોધખોળ કરી રહી છે.

    અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા  છે અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે કેસની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે  હુમલામાં વપરાયેલા  બામ્બુ  અને બેઝબોલ બેટ પણ કબજે કર્યા છે. અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો દ્વારા આરોપીઓની સ્પષ્ટ ઓળખ થઈ ગઈ છે . પોલીસ  આ તકરારમાં અન્યોની સંડોવણી તથા આ તકરાર કોઈ જૂની અદાવતમાં થઈ છે કે કેમ તે મુદ્દે તપાસ કરી રહી છે.