મારી સાથે ફ્રેન્ડશીપ ભૂલી જજે, અમારા બંનેના સંસાર વચ્ચે આવીશ તો મારી નાખીશ

150 ફૂટ રિંગ રોડ પરના સંતોષ પાર્ક વિસ્તારની ઘટના : 2 દંપતી વચ્ચે માથાકૂટ અને મારામારી : ગાંધીગ્રામ-2પોલીસ મથકમાં સામસામી ફરિયાદ
રાજકોટ, : ફ્રેન્ડશીપ બાબતે બે દંપતી વચ્ચે માથાકૂટ અને મારામારી થતાં ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
150 ફૂટ રિંગ રોડ પરના સંતોષ પાર્ક શેરી નં. 1માં રહેતી બંસીબેન પંડયા (ઉ.વ. 45)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં 12 વર્ષનો પુત્ર છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. ગઇકાલે રાત્રે ઘર નજીક વોકીંગ કરતી હતી ત્યારે તેનો ફ્રેન્ડ વિમલ ભાનુશંકર જોશી, પત્ની જીજ્ઞાાશા (રહે. બંને દ્વારકેશ પાર્ક શેરી નં. 7) સાથે એક્ટિવા પર નીકળ્યો હતો. તેને જોઇને વિમલે કહ્યું કે તું મારી પત્ની વિશે કેમ આડું અવળું બોલે છે. બાદમાં તેની પત્નીએ એક્ટિવા તેના પગ સાથે ભટકાડી, ધક્કો મારી દેતાં ફૂટપાથ પર પડી ગઇ હતી.
ત્યાર પછી બંનેએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. તેના પુત્રએ પતિને બોલાવ્યો હતો. જ્યારે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. પતિ આવી જતાં ડ્રીમ સિટી રોડ પર બંનેને સમજાવવા ગઇ ત્યારે બંનેએ તેના પતિ મયુરને ગડદાપાટુનો માર મારી, રોડ પર પછાડી દીધો હતો અને લોહીલુહાણ કરી નાખ્યો હતો. તેને પણ ડાબા પગમાં ઇજા થઇ હતી.
ફરિયાદમાં આગળ બંસીબેને જણાવ્યું છે કે વિમલે ગઇ તા. ૨૩ મેના રોજ પણ તેની સાથે માથાકૂટ કરી હતી. તે વખતે ૧૮૧ બોલાવતા સમાધાન થઇ ગયું હતું. આમ છતાં વિમલ તેને ફોનમાં ઘણી વખત ધાકધમકી આપતો હતો. ગઇકાલે રાત્રે તેને કહ્યું હતું કે મારી સાથે ફ્રેન્ડશીપ હતી તે ભૂલી જજે, હવે અમારા બંનેના સંસાર વચ્ચે આવીશ તો તારા ટાંટિયા ભાંગી જાનથી મારી નાખીશ.
સામા પક્ષે જીજ્ઞાાશાબેન (ઉ.વ. 41)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે રાત્રે પતિ સાથે જતી હતી ત્યારે બંસીબેને તેને ગાળો ભાંડી હતી. ગાળો ભાંડવાની ના પાડતા બોલાચાલી કરી, તેના વાળ પકડી ઝપાઝપી કરી હતી. આ પછી તે પતિ સાથે ઘરે જતી હતી ત્યારે બંસીબેન અને તેના પતિ મયુરે આવી બંને સાથે બોલાચાલી કરી, ગડદાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જૂના ફ્રેન્ડશીપનું મનદુ:ખ રાખી મારકૂટ કરી હતી. ગાંધીગ્રામ-2 પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.








