Gujarat

વન વિકાસ નિગમને ૬ ટકાના વ્યાજ સાથે ૧૩.૯૬ લાખ ચૂકવવા આદેશ

By GS TEAM
6 Jan 20262 mins read
વન વિકાસ નિગમને ૬ ટકાના વ્યાજ સાથે ૧૩.૯૬ લાખ ચૂકવવા આદેશ

વડોદરા : ૧૧૦૦ ક્વિન્ટલ મહુડાના ફૂલો ૧,૭૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવાનું ટેન્ડર મેળવનારા વેપારીએ માત્ર ૬૫ ક્વીન્ટલ ફુલ લીધા હતા અને બાકીનો માલ ન લેતા વન વિકાસ નિગમને લાખોની નૂકશાની થઇ હતી. આ અંગેનો મામલો વડોદરાની કોમશયલ કોર્ટમાં પહોંચતા ન્યાયાધીશે વેપારીને ૬ ટકાના વ્યાજ સાથે રૃા.૧૩.૯૬ લાખ વન વિકાસ નિગમને ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(વન વિકાસ નિગમ) દ્વારા વર્ષ ૨૦૦૭માં મહુડાના ફૂલોના વેચાણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અયુબભાઈ  ખત્રી સફળ બિડર જાહેર થયા હતા. કરાર મુજબ, વેપારીએ ૧૧૦૦ ક્વિન્ટલ મહુડાના ફૂલો ૧,૭૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવાના હતા. વેપારીએ માત્ર ૬૫ ક્વિન્ટલ માલ ઉપાડી બાકીની રકમ ચૂકવી ન હતી.

વેપારીએ પેમેન્ટ  ન કરતા  નિગમે મહુડાના ફુલો અન્ય પક્ષકારોને નીચા ભાવે વેચતા ૧૪.૦૭ લાખ રૃપિયાનું આથક નુકસાન સહન કરવું પડયું હતું, જેની વસૂલાત માટે નિગમે વડોદરાની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.જેમાં ટ્રાયલ કોર્ટ ના આદેશ સામે  સેશન્સ કોર્ટમાં અપિલ દાખલ કરવામાં આવી હતી. સુનાવણીમાં વેપારી પક્ષે રજૂઆત કરી હતી કે, નિગમે ફરીથી વેચાણ કરવામાં વિલંબ કર્યો હોવાથી નુકસાન વધ્યું છે અને આ પ્રક્રિયા તેમની ગેરહાજરીમાં થઈ હોવાથી તે તેમને બંધનકર્તા નથી. નિગમે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા કે વેપારીને વારંવાર લેખિત જાણ કરવામાં આવી હતી અને ટેન્ડરની શરતો મુજબ અનામત રકમ જપ્ત કરી ફરીથી વેચાણની પ્રક્રિયા કાયદેસર રીતે હાથ ધરવામાં આવી હતી.

વડોદરાની કોમશયલ એપેલેટ કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ અવલોકન કર્યું  હતુ કે, નિગમ દ્વારા વેપારીને વારંવાર નોટિસ આપીને માલ ઉપાડવા માટે તક આપવામાં આવી હતી. અદાલતે વેપારી દ્વારા કરવામાં આવેલી અપીલને ફગાવી દઈને ૧૩,૯૬,૬૮૯ રૃપિયા ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ યથાવત રાખ્યો હતો.