લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને લઇ વનવિભાગે ગામમાં ધામા નાંખ્યા

સાબમરતી નદી કિનારે આવેલા ગાંધીનગરના
છોકરાએ બતાવેલો ફોટો અને વિડીયો બે મહિના પહેલા વડોદરા જિલ્લાનો હોવાનું ખુલ્યું ઃ અફવા નહીં ફેલાવવા તંત્રનું સૂચન
ગાંધીનગર શહેર તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી
ઝરખ દેખા દઇ રહ્યું છે જેના ફોટા અને વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા
છે ત્યારે આજે નદી કિનારાના લેકાવાડા ગામના ખેતરમાં રાત્રે દીપડો દેખાયો હોવાની
વાત ગામના છોકરાએ કરી હતી જેનાથી ભયનો માહોલ ફેલાયો હતો એટલુ જ નહીં, જોત જોતામાં તો
વનવિભાગ સુધી વાત પહોંચી ગઇ હતી અને વનવિભાગની ટીમે જરૃરી સાધનો સાથે ગામમાં ધામા
નાંખ્યા હતા અને અહીં પ્રથમ જે છોકરાએ દીપડો દેખ્યો હોવાનો દાવો કર્યો હતો તેની
પુછપરછ કરી હતી. તેણે સ્વિકાર્યું હતું કે,
તેણે રૃબરૃ નહીં પણ મોબાઇલ મારફતે જોયો હતો તેનો મોબાઇલ ફંફોસતા આ છોકરાએ
સોશ્યલ મિડીયા સાઇટ પરથી વિડીયો ડાઉનલોડ કરીને સેર કર્યો હતો એટલુ જ નહીં, તેમાંથી
સ્ક્રિનસોટ પણ પાડયા હતા. જે વાયરલ થતા ગામમાં દીપડો આવી ગયો હોવાની વાત વહેતી થઇ
હતી. એટલુ જ નહીં, આ છોકરા
દ્વારા જે પગલાં એટલે કે,
પગમાર્ક બતાવવામાં આવ્યા હતા તે પણ કુતરાના કે અન્ય કોઇ પ્રાણીના હોવાનું
વનવિભાગની તપાસમાં બહાર આવ્યું હતું. દીપડો દેખાયાની અફવાને પગલે વનવિભાગે ગામમાં
સર્ચ પણ કર્યું હતું પરંતુ અહીંથી કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી તેમ છતા અફવાથી ગામમાં
ભયનો માહોલ ફેલાયો છે. આવી સ્થિતિમાં અફવા ઉપર ધ્યાન કેન્દ્રીત નહીં કરવા તથા અફવા
નહીં ફેલાવવા માટે ગાંધીનગર વનવિભાગ દ્વારા ગ્રામજનોને સુચન કર્યું છે.









