બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું

હૂમલા બાદ વન્યપ્રાણી ફરી ખાવા આવતો હોવાની થિયરી
વહેલી સવારે અને રાત્રે સર્ચ કરવા અને ગામની ડમ્પિંગ સાઇટ આસપાસ તપાસ માટે પણ જિલ્લા વન અધિકારીની સુચના
ગાંધીનગર નજીકથી પસાર થતી સાબરમતી નદી કિનારાના પાલજ ગામના
ખેતરમાં બાંધેલી ભેંસની બે પાડીઓનું જંગલી પ્રાણીના હૂમલાથી મોત થયું હતું.અહીં
ગાંધીનગરની ઉર્જા રેન્જના અધિકારી સહિત વનકર્મીઓએ ખેતર તથા આસપાસના વિસ્તારમાં
તપાસ કરી હતી. અહીંથી પગમાર્ક પણ મળવામાં આવ્યા હતા જે અંગે વાઇલ્ડલાઇફ એક્સપર્ટ
દ્વારા પગમાર્ક દીપડા કે બિલાડીકુળના પ્રાણી નહીં હોવાનું તારણ રજુ કર્યું હતું.
ત્યારે આજે જિલ્લા નાયબ વનસંરક્ષક રવિરાજસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પણ
અહીંના ખેતર ખુંદવામાં આવ્યા હતા. પિયત ખેતરમાં જુના પગમાર્ક પણ તપાસવામાં આવ્યા
હતા પરંતુ આ પગમાર્ક પણ ડોગફેમેલીના હોવાનું એક્સપર્ટનું સ્પષ્ટ માનવું છે તેમ છતા
જે વન્યપ્રાણીએ હૂમલો કર્યો હોય કે શિકાર કર્યો હોત તે પ્રાણી ફરી જે તે જગ્યાએ
મારણ ખાવા માટે આવતો હોવાની વાઇલ્ડલાઇફની થિયરી છે જેના પગલે આ શિકારી પ્રાણીને
પકડવા માટે અહીં મારણ સાથે પાંજરૃ ગોઠવવામાં આવ્યું છે.
તો બીજીબાજુ શિકારી પ્રાણીને શોધવા વહેલી સવારે અને રાત્રે
પણ ગામના ખેતર તથા જંગલ વિસ્તારમાં સર્ચ કરવા ડીએફઓ દ્વારા સુચના આપવામાં આવી છે.
આ ઉપરાંત ગામના છેવાડે ડમ્પીંગ વિસ્તાર છે જ્યાં મરેલા પ્રાણી ફેંકવામાં આવતા હોય
છે ત્યારે અહીં પણ તપાસ કરવા તથા પગલા શોધવા માટે કહેવામાં આવ્યું છે.








