- ધોળકા-ઈંગોલી રોડ પરના
- કોનોકાર્પસ વૃક્ષથી અસ્થમા,એલર્જીના દર્દીઓને મુશ્કેલી, પર્યાવરણને પણ નુકસાન
બગોદરા : ધોળકાથી ઈંગોલી જતા માર્ગ પર ધોળકાથી શરૂ કરીને કોનકાર્ડ કંપની સુધી કેડીલા અને કોનકાર્ડ કંપની દ્વારા મોટી સંખ્યામાં ઉછેરવામાં આવેલા વિવાદાસ્પદ અને જોખમી 'કોનોકાર્પસ' વૃક્ષોને તાત્કાલિક અસરથી જડમૂળથી કાઢી નાખવાનો આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકરની ફરિયાદના આધારે જાહેર આરોગ્ય અને માર્ગ સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ઝડપી વૃદ્ધિ ધરાવતા આ કોનોકાર્પસ વૃક્ષો હવે મોટા થઈ જતાં રોડની બંને બાજુ માર્ગ પર આવી ગયા છે, જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. આ વૃક્ષોને કારણે વાહન ચાલકોને અકસ્માતો થવાનું જોખમ વધી ગયું હતું.
શિયાળાની ઋતુમાં ચમકતા ઘાટા લીલા પાન ધરાવતું અને શંકુ આકારના 'કોનોકાર્પસ' વૃક્ષના ફૂલોની પરાગરજ આજુબાજુ ફેલાય છે, જેનાથી લોકોમાં શરદી, ઉધરસ, અસ્થમા અને અન્ય એલર્જી જેવા રોગો ફેલાવવાની શક્યતા છે. આ વૃક્ષોના મૂળ પણ જમીનમાં ઊંડે સુધી ફેલાઈને ભૂગર્ભ કેબલ, ડ્રેનેજ લાઇન અને પાણીની પાઈપલાઈનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
વન વિભાગે બંને કંપનીને તાત્કાલિક અસરથી રોડ પરના તેમજ તેમના કમ્પાઉન્ડમાં આવેલા આવા તમામ જોખમી કોનોકાર્પસ વૃક્ષોને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા કોનોકાર્પસના ઉછેર પર પ્રતિબંધ મુક્યો છે.


