Get The App

બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા 1 - image

હવે દિવસે - દિવસે પ્રવાસીઓનું પ્રમાણ વધ્યું

અમેરિકાથી આવેલા પરિવારે કુદરતી સૌંદર્ય વચ્ચે અન્ય પ્રાણીઓ પણ વિહરતા જોયા, બરડા સફારી પાર્કની સરાહના

પોરબંદર: પોરબંદર નજીકના બરડા ડુંગરમાં બરડા જંગલ સફારી શરૂ થયા બાદ ત્યાં સિંહોનો વસવાટ પણ વધી રહ્યો છે ત્યારે હજુ થોડા દિવસો પહેલાં જ સાસણ- મેંદરડા સ્ટેટ હાઈ- વે પર સામટા ૧૧ સિંહ જોવા મળ્યા બાદ હવે અમેરિકન પરિવારને જંગલ સફારી દરમિયાન ૧૧ સિંહનો પરિવાર નજરે ચડતા તેઓ ખુશખુશાલ બની ગયા હતા.

વિદેશી પ્રવાસીઓ, ખાસ કરીને અમેરિકાથી આવેલા એક પરિવારે સાહસિક સફારી દરમિયાન મેળવેલો અદભુત અનુભવ એક એવો અનુભવ હતો જે સામાન્ય પ્રવાસીઓને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. સફારી દરમિયાન તેમને એક કે બે નહીં પરંતુ એકસાથે ૧૧ સિંહોના કુટુંબને નિહાળવાનો સુવર્ણ મોકો મળ્યો હતો.  કુદરતી સૌંદર્ય વચ્ચે 'જંગલના રાજા'ને પોતાના પરિવાર સાથે નિર્ભય રીતે ફરતો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. ત્રણથી ચાર સિંહણો, નર સિંહો અને નાના બચ્ચાઓ સાથે થોડાં- થોડાં અંતરે ચાલતા સિંહ કુટુંબને જોઈ તેઓ અચંબિત થઈ ગયા હતા.

બરડા સફારીમાં પ્રવાસીઓનો ખાસ ઘસારો જોવા મળ્યો હતો. સ્થાનિક તેમજ વિદેશી યાત્રીઓ સિંહોના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને મોટાભાગના પ્રવાસીઓને આકર્ષક દર્શન મળતા ખુશી છલકાઈ રહી હતી. સિંહોની સંખ્યા વધતા આ વિસ્તાર સફારી માટે વધુ લોકપ્રિય બની રહ્યો છે. અમેરિકન ફેમિલીએ સફારી પૂર્ણ કર્યા બાદ ગાઈડ તથા સફારી ડ્રાઇવરના વખાણ કર્યા હતા. જંગલ વિશેની વિગતવાર માહિતી, સિંહોને સુરક્ષિત અંતરથી દેખાડવાની કુશળતા અને સફારીનું સંચાલન - આ દરેક બાબતની નોંધ લેવામાં આવી હતી.