ઝડપાયેલો જથ્થો માત્ર પંજાબમાં જ વેચાણ માટે હતો
દારૂની ૧૬,૧૮૮ બોટલ, ટ્રક સહિતની રૂ. ૧.૨૩ કરોડની મત્તા જપ્ત, એક આરોપી ઝડપાયો, ૬ ફરાર
ખેડા તાલુકાના ગોબલજ ગામ પાસે ખોડિયાર હોટલના પાર્કિંગમાં એસએમસીની ટીમે દરોડો પાડયો હતો. આ રેડ દરમિયાન એક ટ્રક કન્ટેનરમાંથી કિંમત રૂપિયા ૯૩,૯૫,૮૨૦ની વિદેશી દારૂની કુલ ૧૬,૧૮૮ બોટલો મળી આવી હતી.
આ દારૂનો જથ્થો પંજાબની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ, પર્નોેડ રિકાર્ડ ઈન્ડિયા પ્રા. લિ., અને મોહન મેકિન લિમિટેડ જેવી ડિસ્ટિલરીઝમાં બનેલો હતો અને તે ફક્ત પંજાબમાં વેચાણ માટેનો હતો. રેડ દરમિયાન પોલીસે કિં.રૂ. ૩૦,૦૦,૦૦૦નું ટ્રક કન્ટેનર, કિં.રૂ. ૨૦૦ની ૨ તાડપત્રી, રૂ. ૭૮૦ રોકડા, કિં.રૂ.૩૦૦૦નો ૧ મોબાઈલ, વિદેશી દારૂના જથ્થા સહિતનો રૂપિયા ૧,૨૩,૯૯,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યોે હતો. પોલીસે સ્થળ પરથી ભાવરારામ પુરારામ જાટ (રહે. દાનપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરી તેને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યોે હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી ઝડપાયેલા અને ફરાર શખ્સો હરિયાણાનો નરેશ ઉર્ફે અનિલ (ચંદીગઢથી દારૂનો સપ્લાયર), ટ્રક કન્ટેનરનો માલિક, દારૂ ભરેલો ટ્રક ગુરુગ્રામ ખાતે આપનાર અજાણ્યો ડ્રાઇવર, અમદાવાદ રિંગ રોડ પર ટ્રક લેનાર અને પાછો આપનાર બે અજાણ્યા વ્યક્તિઓ તેમજ ગુજરાતમાં દારૂનો ઓર્ડર આપનાર અજાણી વ્યક્તિ સહિત કુલ ૬ ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


