ચોટીલામાં એક, બે નહીં 1000 પેટી વિદેશી દારૂ ઝડપાતા ખળભળાટ, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
Surendranagar News : ગુજરાતમાં દારૂબંધી ખાલી નામની જ હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 8596 વિદેશી દારૂની બોટલો જપ્ત કરીને 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂ ઝડપાયો
મળતી માહિતી મુજબ, ચોટીલા તાલુકાના ખેરડી ગામે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો હોવાની ગાંધીનગર SMCને બાતમી મળી હતી. જેને લઈને SMCની ટીમ દ્વારા ખેરડી ગામ નજીકની નાગરાજ હોટલ પાસેના એક ખેતર ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં એક, બે નહીં પરંતુ 1000 જેટલી વિદેશી દારૂની પેટી ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો.
સમગ્ર મામલે પોલીસે દારૂની બોટલ, પીક-અપ કાર સહિતનો કુલ 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોટીલા પોલીસે ચોટીલાના નાની મોલડીના રહેવાસી દિલિપ બાવકુ ધાંધલ સહિત કુલ 10 સામે ફરિયાદ નોંધી છે. જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.