પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર

- છેલ્લા 3 વર્ષમાં તમામ સ્તરે રજૂઆત, પરિણામ '૦'
- અપુરતી સુવિધાના કારણે આ વર્ષે 150 જેટલા નવા એડમીશન આપી શકાયા નથી : આચાર્ય
મળતી વિગતો મુજબ પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં બાલવાટિકાથી ધો.૮ સુધીનો અભ્યાસ ચાલી રહ્યો છે જેમાં ૨૯૪ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. શૈક્ષણિક સ્ટાફ પુરતો છે અને એસએમસી તેનાથી સંતુષ્ટ છે પરંતુ આ વિદ્યાર્થીઓને બેસવાના વર્ગો માત્ર ૬ રહેતા અન્ય વર્ગના વિદ્યાર્થીઓને ઓસરીમાં કે દાતાના સહયોગથી બનાવેલ શેડમાં બેસાડી અભ્યાસ કાર્ય કરાવવું પડી રહ્યું છે. આ પ્રશ્ન તાજેતરનો નથી વર્ષ ૨૦૧૬થી ચાલ્યો આવે છે. જ્યારે શાળાની એસએમસી દ્વારા છેલ્લા ત્રણ વર્ષતી નવા ઓરડાની માંગણી વખતો વખત ટીપીઇઓ, ડીપીઇઓ, જિલ્લા પંચાયત, એલએલએ, સ્વાગત પોર્ટલ અને તાજેતરમાં ૧૫ ઓગસ્ટે કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી નિયમાનુસાર મળવા પાત્ર ઓરડા અને ટોયલેટ-બ્લોક કરી આપવા માંગણી કરી હતી અને જે તે વિભાગમાંથી સુચનાઓ પણ વખતો વખત થઇ હતી. પરંતુ આજદિન સુધી એક ઇંટ પણ મુકાઇ નથી. આ વર્ષે આ ઓરડાની ઘટ અને અપુરતી સુવિધાના કારણે ૧૫૦ નવા એડમીશન પણ આપી શકાયા નથી. એક તરફ શિક્ષણ માટે સરકાર લખલૂંટ ગ્રાન્ટો મંજુર કરે છે પણ જરૂરીયાત છે ત્યાં સુધી નક્કર કામગીરીનો અભાવ વર્તાય છે જેનો આ જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે અને જવાબદાર મોટા અધિકારીઓ પણ માત્ર સુચના આપી જવાબદારી ખંખેરતા હોય તેવો અનુભવ એસએમસીને થઇ રહ્યો છે ત્યારે આમા ક્યાંથી ભણે ગુજરાત !








