Gujarat

નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ

By GS TEAM
8 Dec 20252 mins read
નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ

નવા પમ્પિંગ સ્ટેશનના વાલ્વમાં ક્ષતિ સર્જાવાના પગલે

સવારના રાબેતા મુજબના સપ્લાય અને ૨૪ કલાકની યોજના અંતર્ગતના સપ્લાયમાં ફોર્સ ઘટી જવાથી ગૃહિણીઓ પરેશાન

ગાંધીનગર :  શહેરના સેક્ટર વિસ્તારમાં ૨૪ કલાક પાણી આપવા માટે બન્ને હેડ વોટર વર્કસને અપગ્રેડ કરાયા છે. દરમિયાન નવા સરિતા પમ્પિંગ સ્ટેશનના વાલ્વમાં ક્ષતિ સર્જાવાના પગલે નવા સેક્ટરોમાં ઓછા ફોર્સથી પાણી મળી રહ્યાની સતત બીજા  દિવસે પણ બુમરાણ મચી હતી. સ્થાનિકોએ કહ્યું, કે સવારના રાબેતા મુજબના સપ્લાય અને ૨૪ કલાકની યોજના અંતર્ગતના સપ્લાયમાં ફોર્સ ઘટી જવાથી ગૃહિણીઓ પરેશાન છે.

સેક્ટર વિસ્તારમાં તમામ ઘરમાં મીટર લગાડવાની કામગીરી હજુ પુરી થઇ નથી. ત્યારે પ્રયોગાત્મક ધોરણે મીટર ચાર્જીસનો અમલ કર્યા વગર જ ૨૪ કલાક પાણી આપવાનું શરૃ કરવામાં આવ્યું છે. તેમાં પણ પ્રારંભિક સમસ્યાઓને લઇને પાણીના પુરવઠામાં કોઇ વિક્ષેપ આવે તો પણ નગરવાસીઓને હાલાકી વેઠવાની ન થાય તેના માટે સવારે બે કલાક માટે આપવામાં આવતો પાણીનો સપ્લાય પણ ચાલુ રાખવામાં આવ્યો છે. દરમિયાન બે દિવસ પહેલા નવા સેક્ટરોમાં સવારના રાબેતા મુજબના સપ્લાય અને ૨૪ કલાકની યોજના અંતર્ગતના સપ્લાયમાં ફોર્સ ઘટી ગયો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો તંત્ર સુધી પહોંચતા કરવામાં આવેલી તપાસમાં નવા સરિતા પમ્પિંગ સ્ટેશનના વાલ્વમાં ક્ષતિ સર્જાવાના પગલે આ સ્થિતિ સર્જાયાનું ખુલ્યુ હતું. જેના પગલે ટેકનીકલ ફોલ્ટ નિવારવા તંત્ર કામે લાગ્યુ છે.

અધુરામાં પુરૃ.. સેક્ટર-૫માં ડહોળુ પાણી આવવાની ફરિયાદો

નવા સેક્ટર વિસ્તાર મતલબ કે અડધા શહેરમાં ઓછા દબાણથી પાણી મળી રહ્યાની રાડ પડવાની સાથે સેક્ટર ૫ના વિસ્તારમાં વધારાની સમસ્યા સામે આવી છે. જેમાં આ વિસ્તારમાં ડહોળુ પાણી મળી રહ્યાની ફરિયાદો ઉઠી છે. નોંધવું રહેશે, કે ચોમાસા દરમિયાન કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે ત્યારે કેનાલ આધારિત પાણી મેળવતા તમામ શહેર અને ગામમાં ડહોળા પાણીની સમસ્યા રહે છે. પરંતુ હાલમાં આવું કારણ નહીં હોવા છતાં સેક્ટર ૫માં ડહોળુ પાણી આવવાના કારણે રહેવાસીઓમાં આક્રોષ જાગવા સાથે નિરાકરણ લાવવાની માંગણઈ ઉઠી છે.