વરસાદી પાણીનો સંગ્રહ કરવાના હેતુથી અમદાવાદમાં એક કરોડના ખર્ચે આઠ પરકોલેટીંગ વેલ બનાવવા દરખાસ્ત
૧૨થી ૧૫ હજાર લીટર પ્રતિ કલાકના પરકોલેટીંગ રેટથી વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય એ પ્રમાણેનુ આયોજન
અમદાવાદ,મંગળવાર,6
જુન,2023
ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાના હેતુથી
રુપિયા ૧.૩ કરોડના ખર્ચે આઠ સ્થળે એક-એક એમ કુલ આઠ પરકોલેટીંગ વેલ બનાવવા મંજુરી
માંગતી દરખાસ્ત આજે મળનારી પાણી સમિતિની બેઠકમાં મુકવામાં આવી છે.૧૨થી ૧૫ હજાર
લીટર પ્રતિ કલાકના પરકોલેટીંગ રેટથી વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય એ પ્રમાણેનું
આયોજન હાથ ધરવામાં આવનાર છે.
અમદાવાદના તમામ સાત ઝોન પૈકી છ ઝોનમાં એક-એક તથા દક્ષિણ
ઝોનમાં બે સ્થળે રેઈન વોટર હાર્વેસ્ટીંગ માટે પરકોલેટીંગ વેલ બનાવી પાંચ વર્ષ માટે તેના મેઈન્ટેનન્સ સાથે રુપિયા
૧.૩ કરોડથી વધુના ખર્ચ ઉપરાંત જી.એસ.ટી.ચૂકવવા સાથે ટેન્ડર મંગાવવામાં આવ્યા
હતા.લોએસ્ટ ભાવના ટેન્ડરર ફિલ્ડ માસ્ટર એન્જી.કંપની દ્વારા ભાવ નેગોશીએશન બાદ પ્રતિ
પરકોલેટીંગ વેલ રુપિયા ૧૩.૩૪ લાખથી વધુનો ભાવ આપ્યો છે.એલ-ટુ એજન્સી પ્રમુખ વોટર
ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રતિ પરકોલેટીંગ વેલ રુપિયા ૫૧.૬૮ લાખ ઉપરાંત
જી.એસ.ટી.નો ભાવ આપવામાં આવ્યો છે.આ એજન્સીઓ પાસે શહેરના અલગ અલગ સ્થળે પરકોલેટીંગ
વેલ બનાવવા માટે કમિટીની મંજુરી માટે દરખાસ્ત રજૂ કરાઈ છે.તમામ આઠ સ્થળે ૦૮ ઈંચ
ડાયામીટર તથા વી વાયર ફીલ્ટર વીથ ગ્રેવલ સાથે વોટર ફીલ્ટરેશનની વ્યવસ્થા સાથેના
પરકોલેટીંગ વેલ તૈયાર કરાવવામાં આવશે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મહિલા ગાર્ડન,રાજપથ કલબ પાછળ,દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં આનંદનગરમાં મ્યુનિ.કોર્પો.ના પ્લોટ પાસે,પશ્ચિમ ઝોનમાં આંબાવાડી ખાતે,પૂર્વ ઝોનમાં મધુમાલતી આવાસ કઠવાડા પાસે,ઉત્તરઝોનમાં
સરસપુર એવરેસ્ટ ચાર રસ્તા પાસે તથા મધ્યઝોનમાં પ્રિતમપુરા ખાતે તેમજ દક્ષિણ ઝોનમાં
શાહવાડી ગુજરાતી શાળા નંબર-૧ અને રાધા ક્રીશ્ન મંદિર,શાહવાડી ગામ ખાતે
પરકોલેટીંગ વેલ બનાવવામાં આવશે.