Gujarat

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા

By GS TEAM
6 Nov 20252 mins read
અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે  સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા

અમદાવાદ,ગુરુવાર,6 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૨૬-૨૭ના અંદાજપત્ર માટે શહેરીજનો પાસેથી સુચનો મંગાવાયા હતા.કુલ ૨૬૦૭ સુચન તંત્રને લોકો તરફથી કરાયા છે. શહેરમાં સ્ટ્રોમ વોટરલાઈન પુરતા પ્રમાણમા નહીં હોવાથી દર વર્ષે ચોમાસામા અનેક વિસ્તારમાં વરસાદી પાણી એક કલાકથી વધુ સમય માટે ભરાઈ રહે છે. સ્ટ્રોમ વોટર લાઈન તથા પાણી સપ્લાયની સ્થિતિ સુધારવા ૬૦૦થી વધુ જયારે રોડ અને ફૂટપાથની સ્થિતિ સુધારવા ૪૮૭ અભિપ્રાય અપાયા છે.

આગામી વર્ષના બજેટ માટે કોર્પોરેશનને મળેલા સુચનોમાં ૧૭૯૫ એટલે કે ૬૮ ટકા સુચન ફરજિયાત સેવા માટે મળ્યા છે.મરજિયાત સેવા માટે ૭૮૮ એટલે કે ૩૦.૨૩ ટકા સુચન કુલ મળીને ૭૯૮ ઈ-મેઈલ મારફત મળ્યા છે.રેવન્યુ જનરેટ કરવા ૧૬ તથા સેવાઓ સુધારવા આઠ સુચન કોર્પોરેશનને મળ્યા છે.ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સ્થિતિ સુધારવા ૩૨૭, પાણી પુરતા પ્રેસરથી આપવા માટેના ૨૯૭ સુચન કરાયા છે.લાઈટ વિભાગની કામગીરી માટે ૨૮૦,હેલ્થ અને સફાઈ માટે ૧૧૦ સુચન લોકોએ કર્યા છે.ટ્રાફિક અને હાઉસિંગ માટે ૯૮ સુચન શહેરીજનો તરફથી આપવામા આવ્યા છે. ઉપરાંત મ્યુનિ.શાળાઓ,સ્મશાન, ફાયર વિભાગ તથા વિવિધ બ્રિજની સ્થિતિમાં સુધારો કરવા સુચન કરાયા છે.શહેરની સુંદરતામા વધારો કરવા મરજિયાત સેવાઓ માટે લોકો તરફથી મળેલા સુચનોમા ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, ઓકિસજન પાર્ક અને પ્લાન્ટેશનની કામગીરી માટે ૧૩૩, આંગણવાડી સહિતના પ્રોજેકટ માટે ૧૩૩ સુચન કરાયા છે.એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.સર્વિસ માટે ૮૦ સુચન જયારે જિમ, રમતગમતના મેદાન માટે ૭૫ સુચન લોકો તરફથી કરાયા છે.પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે ૬૪ સુચન લોકો તરફથી કરાયા છે.આ ઉપરાંત સ્માર્ટસિટી, ઈ-ગવર્નન્સ, લાયબ્રેરી,સિનીયર સીટીઝન પાર્ક , કોમ્યુનિટી હોલ માટે પણ લોકોએ પ્રતિભાવ આપ્યા છે.વિપક્ષે મ્યુનિ.અંદાજપત્રને લઈ શહેરીજનો તરફથી મળેલા સુચનોને  શાસકપક્ષની નિષ્ફળતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રજાના ટેકસના પૈસાથી પદાધિકારીઓ, અધિકારીઓને વિદેશ મોકલવાનુ બંધ કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૬-૨૭ના અંદાજપત્ર માટે શહેરીજનો તરપથી કરવામા આવેલા સુચનો પૈકી કેટલાક રસપ્રદ  સુચન આ મુજબ છે.

-પ્રજાના ટેકસના નાણાંમાંથી પદાધિકારીઓ, અધિકારીઓને વિદેશ મોકલવાનુ બંધ કરો.વિદેશ પ્રવાસ જઈ આવ્યા પછી પણ આ લોકો ત્યાંની સરખામણીમા કોઈ સુધારો કરી શકતા નથી.

-શહેરના તમામ રોડ ઉપર લેફટ તરફ વળવાનો ટર્ન અડધા કે એક કિલોમીટર દુર કરી દેવો જોઈએ.

-જાહેર કે અન્ય માર્ગ ઉપર વાહન પાર્કિંગની સમસ્યાને જનતા ઉપર જ છોડી દેવામા આવે છે.

-મહાનગરમા રીતસરની કેટલીક ગેંગ રોડ,મહોલ્લા ઉપર અડીંગો જમાવવા લાગી છે.

-મ્યુનિ.ટેકસ વિભાગમાં ભ્રષ્ટ  અને તોડબાજ અધિકારીઓ સામે કાર્યવાહી કરો.

-મેદાનોની જાળવણી માટે ચોકકસ નિતી બનાવો.

-ટી.પી.બન્યા પછી પાંચ કે સાત વર્ષે રોડ તોડવાનો નિયમ બનાવો.

-સદભાવના ગરીબ આવાસ યોજનામા ડ્રેનેજ લાઈનો ખરાબ અને તૂટી ગયેલી છે.

-વૃક્ષા રોપણ પાછળ કરોડો રુપિયાના ખર્ચ પછી જાળવણીનો અભાવ છે.

-સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાના બદલે ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારો