ગુજરાતમાં કોરોનાકાળ બાદ પહેલીવાર 15 દિવસમાં મ્યુકર માઇકોસીસના બે કેસ, એક દર્દીની આંખ કાઢવી પડી
Mucormycosis Case in Gujarat: કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ઘણા દર્દીઓને મ્યુકર માઇકોસીસ જેવી ગંભીર અને જીવલેણ બિમારી થતી હતી. ત્યારે ગાંધીનગર સિવિલમાં છેલ્લા 15 જ દિવસમાં આ મ્યુકર માઇકોસીસ એટલે કે બ્લેક ફંગસના બે દર્દીઓ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. આ બન્ને દર્દીઓને સિવિલના આઇસીયુમાં રાખવામાં આવ્યા છે અને તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે એટલુ જ નહીં, ફૂગ જીવલેણ તરીકે આગળ વધતા એક દર્દીની આંખ કાઢી નાંખવી પડી છે.
કોરોનાકાળ દરમ્યાન ડાયાબીટીસ, સ્ટીરોઇડ, રેમડેસીવીરના ઇન્જેક્શન તથા ઓક્સિજન લેવાને કારણે દર્દીઓને ફૂગની બિમારી લાગતી હતી. ફૂગ મગજમાં જવાને કારણે દર્દીના મોત થવાના કિસ્સા પણ કોરોના બાદ સામે આવ્યા હતા જેને લઇને પણ ફફડાટ ફેલાયો હતો ત્યારે છેલ્લા ફક્ત 15 જ દિવસમાં ગાંધીનગર સિવિલમાં આ મ્યુકર માઇકોસીસના બે કેસ પ્રકાશમાં આવ્યા છે જેના પગલે સિવિલનું મેડિસીન, ઇએનટી તથા ઓપ્થેલમો ડિપાર્ટમેન્ટ એલર્ટ થઇ ગયું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાણસ ગામના 55 વર્ષિય આધેડને સાઇનેસથી આ ફૂગ આગળ વધી હતી અને આંતરિક રીતે આ ફૂગ આગળ વધતા આંખ સુધી પહોંચતા ત્યાં બે જ દિવસમાં સોજો આવી ગયો હતો. જેની ઉંડાણપુર્વક નિદાન કરતા તેમને બ્લેક ફંગસ હોવાને પગલે સિવિલના આઇસીસીયુમાં દાખલ કરીને સઘન અને ખુબ જ ખર્ચાળ સારવાર આપવામાં આવી રહી છે.
આવી જ રીતે કડીમાં રહેતા 60 વર્ષિય પુરુષને પણ નાક અને આખની ભાગે સોજા ચઢી ગયા હતા અને અસહ્ય દુઃખાવો થતો હતો એટલુ જ નહીં, આ ફૂગ ચિંતાજનક રીતે આગળ વધી રહી હતી જેથી ઓપ્થેલ્મો વિભાગના ડો. જીગીશ દેસાઇ અને એમની ટીમે આ દર્દીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને આ દર્દીની ડાબી આંખ પણ કાઢી નાંખી હતી જેથી ફૂગને મગજ સુધી જતી અટકાવી હતી.
એન્ટી ફંગલ ઇન્જેક્શન આપવાની ટ્રીટમેન્ટ ખુબ લાંબી અને ખર્ચાળ
સિવિલમાં હાલ બે દર્દીઓની મ્યુકર માઇકોસીસની સારવાર ચાલી રહી છે. આઇસીસીયુમાં રાખીને સતત ડોક્ટરર્સની દેખરેખ હેઠળ આ બન્ને દર્દીઓને રાખવામાં આવ્યા છે. આ ફૂગની સારવાર ખુબ જ ખર્ચાળની સાથે જટિલ અને લાંબી છે. જેમાં દર્દીને એન્ટી ફંગસ ઇન્જેક્શન આપવા પડે છે.
બજારમાં બે હજાર રૂપિયાની કિંમતે મળતા ઇન્જેક્શન આ બન્ને દર્દીઓને પણ આપવામાં આવે છે. એટલુ જ નહીં, સાત ઇન્જેક્શન એક દિવસના આપવા પડે છે આ પ્રકારની ટ્રીટમેન્ટ આ બન્ને દર્દીઓને લગભગ 21 દિવસ સુધી ચાલુ રહેશે જેની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.
બ્લેક ફંગસ માટે હાલની સ્થિતિમાં અનકંટ્રોલ ડાયાબીટીસ જવાબદાર
કોરોના બાદ ઘણા દર્દીઓને બ્લેક ફંગસ સ્વરૂપે મ્યુકર માઇકોસીસ થતું હતું ત્યારે હાલ બે દર્દીઓ સામે આવ્યા છે જેને આઇસીસીયુમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવે છે ત્યારે તેમની સારવાર કરી રહેલા નિષ્ણાંત ડો.શશી મુદ્રાએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસ નથી પરંતુ આ બન્ને દર્દીઓને મ્યુકર માઇકોસીસ થવા પાછળનું મુખ્ય કારણ ડાયાબીટીસ છે.
અંકુશમાં નહીં રહેતા ડાયાબીટીસ તથા રોગપ્રતિકારક શક્તિ ઘટવાને કારણે નાકના સાઇનસમાં ફૂગ થાય છે ત્યાર બાદ તે ઝડપથી આગળ વધે છે બે જ દિવસમાં મોઢાનો એક ભાગ સોજી જાય છે અને આંખ ઉપર પણ અસહ્ય પિડા તથા સોજો રહે છે. ફૂગ ઝડપથી મગજમાં ફેલાઇ જાય તો દર્દીનું મોત પણ નિપજી શકે છે.