Get The App

જૈન શાસનના ઇતિહાસમાં પ્રથમ વખત ઓનલાઇન વર્ષીતપના પારણા કરાયા

સુરતમાં 500થી વધુ આરાધકો ઘરે જ પારણા કર્યા

વેસુ તપાગચ્છ જૈન સંઘ રામ વિહાર દ્વારા ઘરે-ઘરે શેરડીના રસની વ્યવસ્થા કરાઇ

Updated: Apr 26th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 26 એપ્રિલ 2020 શનિવાર


જૈનધર્મના પ્રથમ તીર્થિંકર આદિનાથ પ્રભુએ તેમને પહેલો તપ વર્ષીતપ કર્યો હતો. પ્રભુની સ્મૃતિમાં ૪૦૦ દિવસનો આ તપ સમગ્ર દેશ અને વિદેશમાં પણ જૈનો આ તપ કરે છે. આમ તો આ તપના પારણા માટે સંઘોમાં ભવ્ય આયોજન થતા હોય છે પણ આ વર્ષે લોકડાઉનના કારણે આરાધકોએ ઘરે જ પારણા કરતા હતા.મોટા ભાગના આરાધકોએ ઓનલાઇન સગાસંબંધીઓ સાથે પારણા કર્યા હતાં.

જૈનશાસનમાં અનેક તપનો પોત-પોતાનો મહિમા છે. વર્ષીતપ પણ તેમાનું જ એક તપ છે. ૪૦૦ દિવસના આ તપમાં એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બિયાસણું હોય છે. વચ્ચે છઠ પણ કરવાના હોય છે. કુલ ૨૨૦ ઉપવાસ થાય છે. તપ ફાગવ વદ- ૭-૮માં શરૃ થાય છે અને તેના પારણા ફિક્સ અક્ષય તૃતિયાના દિવસે જ થાય છે. સુરતમાં હાલમાં ૫૦૦થી વધુ જૈન આરાધકો આ તપ કરી રહ્યા હતાં. દર વર્ષે પારણા દિવસે સંઘોમાં ભવ્ય આયોજનો થતા હોય છે. આ વર્ષે કોરોના અને તેના લોકડાઉનના કારણે જૈનોએ ઘરે જ પારણા કરવાનું નક્કી કર્યુ હતું. આદિનાથ ભગવાને ઇક્ષુરસ (શેરડીનો રસ) પીને પારણા કર્યા હતા. તેથી પારણા પ્રસંગે વેસુ તપાગચ્છ જૈન સંઘ રામવિહાર દ્વારા  તપસ્વીઓના ઘરે ઘેર ઇક્ષુરસ પહોંચાડાયો હતો. આ સિવાય આ પારણા પ્રસંગમાં એક વધુ રસમ છે. આરાધક ભાઇ હોય કે બહેન તેમના પારણા તેમના ભાઇના હાથે જ થતા હોય છે પરંતુ લોકડાઉનના કારણે ભાઇને ઘરે બોલાવી શકાય તેમ ન હોવાથી ઘરના વડીલ દ્વારા પારણા થયા હતા. વેસુના જીજ્ઞાાબેન બંગડીવાલાએ તેની સાસુના હાથે પારણા કર્યા હતાં. એટલુ જ નહી પારણા પ્રસંગે પરિવાર હાજર હોય તો માહોલ દીપી ઉઠતો હોય છે તેથી જ એપ્લીકેશન દ્વારા સુરત અને દેશ વિદેશમાં રહેતા સબંધીઓને ઓનલાઇન બોલાવીને પારણા કરાયા હતાં. સુરતમાં મોટા ભાગના આરાધકોના ઘરે ઓનલાઇન પારણા થયા હતાં.જૈનસમાજમાં કોઇ પારણા પ્રસંગ ઓનલાઇન થયો હોય એવી આ પ્રથમ ઘટના હતી. ભટાર રોડ જૈનસંઘમાં પણ દીક્ષાદાનેશ્વરી આ.ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિ ભવ્યરત્નવીજયજીના પણ વર્ષીતપના પારણા થયા હતા. જેમાં ઉપાશ્રયમાં આસપાસ રહેતા લોકોએ તાળી અને થાળી વગાડીને પારણા ઉત્સવ મનાવ્યો હતો.