Gujarat

એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે

By GS TEAM
20 Aug 20252 mins read
એક દાયકા પછી પહેલી વાર  અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે

અમદાવાદ,બુધવાર,20 ઓગસ્ટ,2025

એક દાયકા પછી પહેલીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી  હરાજી કરી વેચવા તૈયારી શરુ કરી છે.નિકોલ,હંસપુરા અને થલતેજમાં આવેલા ત્રણ પ્લોટની બેઝ પ્રાઈઝ રુપિયા ૧૪૪.૪૪ કરોડ નકકી કરાઈ છે.કોર્પોરેશન ૫૦ ટકા લેખે રુપિયા ૭૨.૨૨ કરોડનું ડિસ્કાઉન્ટ આપશે.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં સોથી પણ વધુ પ્લોટ કોર્પોરેશન પાસે સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડ હેતુ માટેના આવેલા છે.રાજય સરકારની લેન્ડ  ડિસ્પોઝેબલ પોલીસી અંતર્ગત સ્કૂલ માટે રીઝર્વ કરવામાં આવેલા પ્લોટની કુલ કિંમતના ૫૦ ટકા કિંમતને બેઝ પ્રાઈસ તરીકે નકકી કરવામાં આવે છે.આ અગાઉ વર્ષ-૨૦૧૫માં કોર્પોરેશન દ્વારા હરાજીથી સ્કૂલ માટેના પ્લોટનું વેચાણ કરાયુ હતુ.છેલ્લા પાંચ વર્ષમાં સ્કૂલ કે અન્ય હેતુ માટેના બે પ્લોટની બજાર કિંમતથી ફાળવણી કરવામા આવી હતી.વર્ષ-૨૦૨૦માં ગોતા વોર્ડમાં સ્કૂલ હેતુ માટેનો એક પ્લોટ એક સંસ્થાને આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત નિકોલમાં સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેનો એક પ્લોટ એક શૈક્ષણિક સંસ્થાને સ્કૂલ અને હોસ્ટેલ બનાવવા અપાયો હતો.

શૈક્ષણિક સંસ્થા.ટ્રસ્ટોને હરાજીથી પ્લોટ અપાશે

કોર્પોરેશન દ્વારા સ્કૂલ હેતુ માટેના રીઝર્વ પ્લોટનુ હરાજીથી વેચાણ કરતા અગાઉ ટેકનીકલ ઈવેલ્યુએશન કરાય છે.વ્યકિકગત રીતે આ પ્રકારના પ્લોટનું વેચાણ કરાતુ નથી.પહેલા તબકકામાં ટ્રસ્ટકે સંસ્થાનું ટેકનીકલ ઈવેલ્યુએશન થયા પછી કવોલીફાય થયેલી સંસ્થાઓ જ હરાજીમાં ભાગ લઈ શકશે.

કયો પ્લોટ કેટલી કિંમતથી વેચાશે?

વોર્ડ    ક્ષેત્રફળ   કમિટીનુ મૂલ્યાંકન(પ્રતિ ચો.મી.)  ૫૦ ટકા મુજબ કિંમત

નિકોલ  ૨૦૮૩        ૫૬,૦૦૦                       ૨૮,૦૦૦

થલતેજ  ૩૬૬૨       ૨,૭૮,૦૦૦                     ૧,૩૯,૦૦૦

હંસપુરા  ૪૪૨૭          ૭૦,૦૦૦                     ૩૫,૦૦૦