રાજકોટમાં પ્રથમવાર વાયુદળના જવાનો સૂર્યકિરણ એર શો યોજશે

અટલ સરોવર ફરતે 5 કિમીથી વધુ વિસ્તારમાં હવાઈ કરતબો જોવા મળશે : લોકો શનિ-રવિવાર તા. 6, 7ના માણી શકશે, એક લાખની મેદની ઉમટવા અંદાજ, મહાપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ
રાજકોટ, : ભારતીય વાયુસેનામાં સૌપ્રથમ ઈ. 1982માં સ્થપાયેલ એરોબેટીક ટીમ અને 1996થી સૂર્યકિરણ નામ સાથે ભારતમાં પાલમ ખાતે અને ઈ. 2001માં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ શ્રીલંકામાં અને તાજેતરમાં જ દુબઈ ખાતે રોમાંચક હવાઈ કરતબો (એર શો) યોજાયા બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે સૌપ્રથમવાર વાયુદળના જવાનો આ શો યોજવા સજ્જ થયા છે. રાજકોટના રૈયા સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની આસપાસના આકાશમાં આશરે ૩૦૦ મીટર જેટલા નીચા ઉડીને હોક MK-132 ટ્રેનર જેટ પ્રકારના વિમાનો શ્વાસ થંભી જાય તેવા દાવપેચ દર્શાવશે.
આ શોનું આયોજન તા. 7 ડિસેમ્બર રવિવારે સવારે 10 વાગ્યે થયું છે પરંતુ, આગલા દિવસ શનિવારે આ જ સમયે રવિવારની જેમ જ ફૂલ ડ્રેસ સાથેનું પૂરેપૂરૂં રિહર્સલ અર્થાત્ શો યોજાશે ત્યારે ખાસ કરીને નાના બાળકો સાથે વાલીઓ શનિવારે લાભ લે તેવી અપીલ કરાઈ છે. આ અંગે આજે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, સ્થાયી સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે આ એર શો માટે અટલ સરોવરની અંદર પ્રવેશ જરૂરી નથી, પરંતુ, તેની આજુબાજુના સ્માર્ટસિટી એરિયાના તમામ રસ્તાઓ પર લોકો વાહનો પાર્ક કરીને નિહાળી શકશે, રજાનો દિવસ હોવાથી અંદાજે એક લાખથી વધુ લોકો ઉમટવાનો અંદાજ છે. એરફોર્સ નિયત સમયે સવારે 10 વાગ્યે જ કાર્યક્રમ શરૂ કરી દેશે.
આ ઉપરાંત દેશના વાયુદળના શસ્ત્રોનું પ્રદર્શન પણ બે દિવસ યોજવાનું નક્કી કરાયું છે. એર શોમાં હેલીકોપ્ટર સહિત અન્ય આકર્ષણો આવે તે માટે તેમજ સામાન્ય રીતે આ એર શો અર્ધી કલાકનો હોય છે પણ તેનો સમય વધારાય તે માટે પ્રયાસ થઈ રહ્યોછે. વધુમાં જણાવ્યું કે ગુ્રપ કેપ્ટન અજય દશરથીની ટીમ દ્વારા આ હવાઈ કરતબ દેશભક્તિની ભાવના પ્રગટે અને લોકોને રોમાંચક અનુભવ થાય તે માટે યોજવામાં આવેલ છે.

