વનતારાની મુલાકાત લઈને ફૂટબોલર લિયોનેલ મેસી મંત્રમુગ્ધ, કહ્યું- આ એક અવિસ્મરણિય અનુભવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lionel Messi Visits Vantara in Jamnagar : વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી. વનતારામાં પરંપરાગત રીતે દરેક કાર્યની શરૂઆત સનાતન ધર્મ અનુસાર આશીર્વાદ મેળવવાથી થાય છે, જે પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા અને તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે આદર પર ભાર મૂકે છે. મેસીની મુલાકાત આ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હતી, કારણ કે તેમણે પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો, વન્યજીવનનું નિરીક્ષણ કર્યું અને સંભાળ રાખનારાઓ તથા સંરક્ષણ ટીમો સાથે આત્મીય સંવાદ કર્યો. મુલાકાત દરમિયાન તેમનો નમ્ર સ્વભાવ અને માનવતાવાદી મૂલ્યો સ્પષ્ટપણે ઝળહળ્યા, તેમજ વન્યજીવન સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે અનંત અંબાણી સાથેના તેમના ઉષ્માભર્યા સંબંધો પણ ઉજાગર થયા.

મેસી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગોડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા હતા. તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં લોકસંગીત, આશીર્વાદ અને શુદ્ધભાવનાનું પ્રતીક બનેલી ફૂલવર્ષા તથા ઔપચારિક આરતીનો સમાવેશ હતો. ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો, જેમાં અંબે માતાની પૂજા, ગણેશજીની પૂજા, હનુમાનજીની પૂજા અને શિવ અભિષેક સામેલ હતા. આ તમામ વિધિઓ દરમિયાન વિશ્વશાંતિ અને એકતાની પ્રાર્થના કરવામાં આવી, જે ભારતની તમામ જીવસૃષ્ટિ પ્રત્યેના શાશ્વત આદરના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે.

સ્વાગત સમારંભ બાદ, મેસીએ વનતારાના વિશાળ સંરક્ષણ પરિસરના માર્ગદર્શિત પ્રવાસની શરૂઆત કરી. અહીં બચાવાયેલા મોટા બિલાડા, હાથીઓ, શાકાહારી પ્રાણીઓ, સરિસૃપો અને વિશ્વભરમાંથી લાવવામાં આવેલા નાના પ્રાણીઓની સંભાળ લેવામાં આવે છે. તેમણે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ અને વિશ્વના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી, જ્યાં કામગીરીના વિશાળ કદ અને દ્રષ્ટિકોણને જોઈ તેઓ આશ્ચર્યચકિત થયા.

સિંહ, ચિત્તા, વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળકેન્દ્રમાં મેસીએ કુદરતી અને સમૃદ્ધ વાતાવરણમાં ખીલતા પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો, જેમાંથી ઘણા પ્રાણીઓ ઉત્સુકતાપૂર્વક તેમની નજીક આવ્યા. ત્યારબાદ તેમણે હર્બિવોર કેર સેન્ટર અને સરિસૃપ સંભાળકેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં વિશેષ પશુચિકિત્સા સારવાર, કસ્ટમાઇઝ્ડ પોષણ, વર્તણૂક આધારિત તાલીમ અને વૈજ્ઞાનિક પશુપાલન પ્રોટોકોલ હેઠળ પ્રાણીઓની ઉત્તમ સંભાળ લેવામાં આવે છે, જે વન્યજીવન કલ્યાણમાં વનતારાના વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે. પ્રવાસ દરમિયાન તેમણે મલ્ટી-સ્પેશિયલિટી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં રિયલ-ટાઇમ ક્લિનિકલ અને સર્જિકલ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું, બાદમાં ઓકાપી, ગેંડા, જિરાફ અને હાથીઓને ખોરાક આપ્યો. વૈશ્વિક દ્રષ્ટિકોણથી તેમણે ભારતમાં વન્યજીવન સંભાળ અને સંરક્ષણને આગળ વધારવા માટે ભારતના વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી.

મુલાકાતના અંતે મેસીએ નારિયેળ ઉત્સર્ગ અને મટકાફોડ જેવી પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો, જે સદ્ભાવના અને શુભશરૂઆતનું પ્રતીક છે. સમારંભ શાંતિ અને સુખાકારી માટેના મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયો, જે વનતારાના મિશન અને મેસીના વૈશ્વિક વારસાને જોડતા સહિયારા મૂલ્યોને ઉજાગર કરે છે. સામાજિક કાર્યો, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને બાળકોના કલ્યાણ માટે સમર્પિત લિયો મેસી ફાઉન્ડેશનનું નેતૃત્વ કરતા મેસીએ વનતારાના હેતુ સાથે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી અને પ્રાણીઓ માટે કરુણાપૂર્ણ તથા વિજ્ઞાન આધારિત સંભાળના તેના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી.

સિંહના બચ્ચાનું નામ લાયોનેલ રખાયું, મેસીએ હાથીના બચ્ચા સાથે ફૂટબોલની મજા માણી
અનાથ અને સંવેદનશીલ નાના પ્રાણીઓ માટે સમર્પિત ફોસ્ટર કેર સેન્ટરમાં મેસીએ તેમની સંઘર્ષભરી છતાં પ્રેરણાદાયી યાત્રાઓ વિશે જાણકારી મેળવી. એક હૃદયસ્પર્શી ક્ષણમાં અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે મળીને એક સિંહના બચ્ચાનું નામ ‘લાયોનેલ’ રાખ્યું, જે હવે આશા અને સાતત્યતાનું પ્રતિક બની ગયું છે અને ફૂટબોલ દંતકથા સમાન મેસીના સન્માનમાં અપાયું છે. પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું, જ્યાં મેસી માણિકલાલને મળ્યા - બે વર્ષ પહેલાં લાકડા કાપવાના ઉદ્યોગમાં કઠોર મજૂરીમાંથી તેની બીમાર માતા પ્રથમા સાથે બચાવાયેલ હાથીનું બચ્ચું. એક એવી ક્ષણમાં, જેણે સમગ્ર કેન્દ્રના હૃદયો જીતી લીધા, મેસીએ માણિકલાલ સાથે અચાનક ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું. હાથીના બચ્ચાએ પણ મેસીની સાથે ફૂટબોલની રમતનો આનંદ લીધો આ ક્ષણ મેસીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ.

વનતારામાં પ્રાણીઓ થતું કામ ખરેખર અદ્ભૂત છે : મેસી
અનંત અંબાણીએ વનતારાની મુલાકાત બદલ અને પ્રાણીઓ તથા માનવજાત પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેરણા આપવા બદલ મેસીનો આભાર માન્યો. તેના જવાબમાં, સ્પેનિશ ભાષામાં મેસીએ કહ્યું, ‘વનતારા જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર અદ્દ્ભૂત છે - પ્રાણીઓ માટેનું કાર્ય, તેમને મળતી સંભાળ અને તેમને બચાવીને જે રીતે સાચવવામાં આવે છે તે અત્યંત પ્રભાવશાળી છે. અમે અહીં અતિ સુંદર સમય વિતાવ્યો, સંપૂર્ણપણે આરામદાયક અનુભવ કર્યો, અને આ એક એવો અનુભવ છે જે હંમેશા તમારી સાથે રહે છે. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરી મુલાકાત લઈશું.’









