Get The App

હવે ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું! શરુ કરાશે 'FOOD ON BUS' સર્વિસ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
GSRTC


Food Service In ST Bus: ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં હવે જમવાનું મળી રહેશે. ST નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો નવીન પ્રોજેકટ હાથ ધરાશે. જેમાં એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે પેકડ ફૂડ અપાશે. આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરુ કરાશે. આમ તેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.

STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું

ગુજરાતમાં એક્સપ્રેસ બસમાં મુસાફરોને મુસાફરી સાથે જમવાનું પૂરું પાડવાને લઈને ‘On Demand Packed Food- Food On Bus’ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. આ સેવા પાયલોટ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદથી પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઇન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડીલીવરી આપવામાં આવશે. 

ટિકિટ બુકિંગ સાથે ફૂડ પણ ઑર્ડર કરી શકાશે

આ પ્રોજેકટ હેઠળ મુસાફરો ઓનલાઇન ફૂડ ઑર્ડર-ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) પર બસ ટિકિટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. 

આમ મુસાફરી શરુ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા ઑર્ડર કરવાનો રહેશે. મુસાફર ઓનલાઇન ઍડ્વાન્સમાં તેમજ મુસાફરી દરમિયાન પણ ફૂડ ઓનલાઇન બુકિંગ કરી શકશે. 

આ પણ વાંચો: ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઈન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ મુજબ, આ સુવિધાઓ પૂરી પાડવા માટે ST નિગમ દ્વારા ‘એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ’થી અલગ-અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઇન ભાવો મંગાવવામાં આવ્યા છે. નક્કી થયેલી એજન્સી તમાકુ, બિડી, ગુટકા, નોન-વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં આપી શકશે નહીં. તેમજ બસમાં ફૂડ આપવામાં અનિયમિતતા અને સમયસર ફૂડસપ્લાય ન કરવાના કિસ્સામાં રૂ.5000/-થી રૂ.10,000/- સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.