ભાવનગરમાં તહેવારોમાં મીઠાઇ-ફરસાણના નમૂના લેવાની ફૂડ વિભાગની કામગીરી ઠપ્પ
વેપારી એસો.ની રજૂઆતના પગલે ફૂડ વિભાગે તહેવારમાં તપાસ ન કરી
વડી કચેરીના આદેશ મુજબ ગત જુલાઈ માસમાં ફૂડ વિભાગે ફરાળી ખાદ્યપદાર્થના નમૂના લઈ સંતોષ માન્યો
ભાવનગર શહેરમાં રક્ષાબંધન, સાતમ-આઠમ વગેરે પર્વમાં મીઠાઈ-ફરસાણનુ વેચાણ વધી જતુ હોય છે અને આ સમય દરમિયાન ખાદ્યપદાર્થમાં ભેળસેળ થવાની શકયતા રહેલી છે ત્યારે ફૂડ વિભાગે તપાસ કરવી જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છેે પરંતુ આ દિવસોમાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ-ફરસાણના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી ન હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે મહાપાલિકાના ફૂડ વિભાગના અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ગાંધીનગરની વડી કચેરીના આદેશ મુજબ ગત જુલાઈ માસના અંતમાં ફરાળી ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતાં.
તહેવારોના દિવસોમાં વેપારીઓને ઘરાગી હોય છે અને નમૂના લેવાની કામગીરીના કારણે વેપારીઓને મૂશ્કેલી પડતી હોય છે તેથી તહેવારના દિવસોમાં તપાસમાં રાહત આપવા વેપારી એસો. દ્વારા રજૂઆત કરવામાં આવેલા છે, જેના કારણે તહેવારના દિવસોમાં મીઠાઈ-ફરસાણના નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલ નથી તેમ અધિકારીએ જણાવેલ છે.