તહેવાર નજીક આવતા કામગીરી બતાવી!
હોટલ, રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ નહીં ધરી ફૂડ વિભાગની લિપાપોતી જેવી કામગીરી સામે રોષ
વિરમગામ - વિરમગામ શહેર અને પંથકમાં ફૂડ વિભાગની કામગીરી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર માત્ર તહેવારોની સિઝનમાં જ ધચોપડે દેખાડવાધ પૂરતી કામગીરી કરે છે, જ્યારે સામાન્ય દિવસોમાં ભેળસેળિયા તત્વોને છૂટો દોર મળે છે.
મંગળવારે ફૂડ વિભાગની ટીમે શહેરના ગોળ પીઠા વિસ્તારમાં તપાસ કરી ગોળ, કચરિયું અને ચીકીના માત્ર ૧૧ સેમ્પલ લઈને સંતોષ માની લીધો હતો. આ મર્યાદિત કામગીરીને લઈને જાગૃત નાગરિકોએ સવાલ ઉઠાવ્યા છે કે કેમ હોટલ, રેસ્ટોરન્ટ, ખાદ્ય તેલની દુકાનો કે પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું નથી? સોશિયલ મીડિયા પર નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર તંત્ર દ્વારા તમામ ખાદ્ય પદાર્થોેની દુકાનો પર નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે, તો આ બાબતે સીધી આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવશે.
વેપારીઓ અને અધિકારીઓ વચ્ચેની કથિત 'મીઠી નજર'ને કારણે તપાસના અભાવે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. શહેરીજનોની માંગ છે કે માત્ર તહેવારો પૂરતું જ નહીં, પરંતુ વર્ષના તમામ દિવસોમાં ખાણી-પીણીની તમામ પેઢીઓ પર કડક તપાસ થવી જોઈએ.


