Gujarat

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા

By GS TEAM
28 Mar 20261 min read
નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા

સેમ્પલનો રિપોર્ટ આવતા મહિનો લાગવાની સંભાવના 

રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરાઇ, રિપોર્ટ બાદ કાર્યવાહી થશે

નડિયાદ: નડિયાદના સંતરામ રોડ પર આવેલી 'ગ્રાન્ડ જ્યોતિ રેસ્ટોરન્ટ (જ્યોતિ દાલપુરી)માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક દરોડા પાડયા હતા. મળેલી ફરિયાદના આધારે અધિકારીઓએ પીરસવામાં આવતી વાનગીઓના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

નડિયાદ શહેરના સંતરામ રોડ પર સ્થિત જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બુધવારના રોજ ફૂડ વિભાગને મળેલી એક ગંભીર ફરિયાદના પગલે અધિકારી  અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ ત્યાં વપરાતા કાચા માલ અને તૈયાર વાનગીઓના વિવિધ સેમ્પલ લીધા હતા જેને સીલ કરી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.આ કાર્યવાહીને પગલે શહેરના અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, આ સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ આવતા અંદાજે એક માસ જેટલો સમય લાગી શકે છે. જો રિપોર્ટમાં ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાશે, તો રેસ્ટોરન્ટ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા છે કે તંત્ર માત્ર ફરિયાદ મળે ત્યારે જ જાગવાને બદલે નિયમિત આકસ્મિક તપાસ કરે તે જરૂરી છેે.