Get The App

મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમની તપાસ, ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થના 21 નમૂના લીધા

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમની તપાસ, ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થના 21 નમૂના લીધા 1 - image


- હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, આંગણવાડી સહિતના સ્થળે તપાસ કરાઈ 

- રાંધેલા પદાર્થ, તેલ, ફરસાણ વગેરે ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યાં 

ભાવનગર : ખાદ્યપદાર્થમાં ભેળસેળ થવાના કારણે લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે તેથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ રાખવામાં આવતી હોય છે. ગત ઓગષ્ટ માસમાં મહાપાલિકાના ફૂડ વિભાગે જુદા જુદા ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. 

ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ગત ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જુદા જુદા ખાદ્યપદાર્થના કુલ ર૧ નમૂના લેવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ આનંદનગર, નિર્મળનગર, હાદાનગરની આંગણવાડીમાંથી, બોરતળાવ રોડ પર આવેલ સરકારી કુમાર છાત્રાલય, મેઘાણી સર્કલ પાસે આવેલ કન્યા છાત્રાલય, સિલ્વર બેલ્સ સ્કૂલની કેન્ટીન વગેરે વિસ્તારમાંથી રાંધેલા પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતાં. ઉપરાંત જોગીવાડની ટાંકી, રામમંત્ર મંદિર વિસ્તાર, સુભાષનગર, કાળિયાબીડ, રૂવાપરી રોડ વગેરે વિસ્તારની દુકાનોમાંથી તેલ, ફરસાણ વગેરેના નમૂના લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે પરંતુ હજુ રિપોર્ટ આવ્યા નથી. 

મહાપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. શહેરમાં ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી યથાવત રહેશે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

મહાપાલિકાના ફૂડ વિભાગે વધુ નમૂના લઈ કડક કાર્યવાહી કરવી જરૂરી 

ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી યથાવત હોય છે, જેમાં ગત જુલાઈ માસમાં ખાદ્યપદાર્થના ૩૧ અને ગત ઓગષ્ટ માસમાં ર૧ ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતાં. મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ખાદ્યપદાર્થ બને તેટલા વધુ નમૂના લેવા જરૂરી છે અને ભેળસેળ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 

Tags :